વિદેશ જઈને ભણવાની ઈચ્છા હોય તો આ રીતે મળશે સસ્તા દરે લોન, જાણો 5 સરકારી યોજના
Govt Education Loan Schemes: લાખો યુવા ભારતીયો વિદેશમાં અભ્યાસ કરવાનું દિવાસ્વપ્ન ધરાવતા હોય છે. વિદેશમાં અભ્યાસ અને રહેવાનો ખર્ચ લાખો રૂપિયામાં થતો હોવાથી મધ્યમવર્ગ અને નબળા વર્ગના યુવાનો પોતાનું આ સપનું પૂરૂ કરી શકતા નથી. પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિદેશમાં અભ્યાસ માટે ઈચ્છુકોને એજ્યુકેશન લોન આપે છે. જેમાં સરળ અરજી પ્રક્રિયા તેમજ વ્યાજના દર પણ ઘણા નીચા હોય છે. આવો જાણીએ ટોપ-5 એજ્યુકેશન લોન સ્કીમ વિશે...
1. વિદ્યા લક્ષ્મી પોર્ટલ એજ્યુકેશન લોન
વિદ્યા લક્ષ્મી પોર્ટલ સરકારની નવી યોજના છે. જેમાં વિદ્યાર્થી લોન અને સ્કોલરશિપ માટે માહિતી મેળવી શકે છે. તેની તુલના કરી અરજી કરી શકે છે. વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોનના વ્યાજદર 8.40 ટકાથી શરૂ થાય છે. વિદ્યા લક્ષ્મી પોર્ટલ પર 45 બેન્ક રજિસ્ટર્ડ છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લોનના 139 વિકલ્પો મળે છે. જેના પરથી વિદ્યાર્થી વિદેશમાં અભ્યાસ કરવા માગે છે. તેમને રૂ. 1.5 કરોડ સુધીની લોન મળી શકે છે.
2. ગુજરાત સરકાર એજ્યુકેશન લોન ફોર સ્ટડીઈંગ અબ્રોડ
ગુજરાત સરકારની આ યોજના વિદેશમાં અભ્યાસ કરવા માગતા મધ્યમ અને નબળા વર્ગને મદદ કરે છે. જેમાં ગરીબ વિદ્યાર્થીઓને લોન પર વ્યાજમાં 100 ટકા સબસિડી મળે છે. જેથી તમે વિદેશમાં અભ્યાસ માટે લોન લીધી હોય તો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 4 ટકાના વ્યાજદરે લોનની ભરપાઈ કરવાની હોય છે. બાકીના વ્યાજની ચૂકવણી સરકાર કરે છે. મંજૂરી મળ્યા બાદ યોગ્ય વિદ્યાર્થી સરકારની યોજના હેઠળ વિદેશમાં અભ્યાસ માટે 4 ટકાના વ્યાજદર પર રૂ. 15,00,000ની લોન મેળવી શકે છે.
લોન માટે લાયકાત
- ધોરણ-12માં ઓછામાં ઓછા 60 ટકા કે તેથી વધુ ગુણ (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે 50%).
- વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના 1 (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
- વિદ્યાર્થીએ અરજી વિદેશ જતાં પહેલાં અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં લોન માટે અરજી કરી શકાશે.
આવક મર્યાદા
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦લાખથી ઓછી છે. વધુ વિગતો માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.
3. NBCFDCની એજ્યુકેશન લોન સ્કીમ
NBCFDC (રાષ્ટ્રીય પછાત વર્ગો નાણાં અને વિકાસ નિગમ) પછાત વર્ગોના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ, પ્રોફેશનલ, ટેકનિકલ અને વોકેશનલ અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓને લોન આપવામાં આવે છે. લોન મેળવવા માટે, વિદ્યાર્થીઓએ દર્શાવવું પડશે કે તેઓ બીપીએલ (ગરીબી રેખા નીચે) પરિવારમાંથી છે અને તેમના પરિવારની આવક રૂ. ૩.૦૦ લાખથી ઓછી છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓ 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. આ લોન પર વ્યાજ દર 4% છે. મહિલા વિદ્યાર્થીઓને વ્યાજ દરમાં 0.5%નું ડિસ્કાઉન્ટ મળે છે.
4. ડૉ. આંબેડકર સેન્ટ્રલ સેક્ટર સ્કીમ
ભારત સરકાર લઘુમતી સમુદાયોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ લોન આપે છે. આ યોજનામાં વ્યાજ પર 100% સબસિડી ઉપલબ્ધ છે. ડૉ. આંબેડકર સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હેઠળ, વિદ્યાર્થીઓ વિદેશમાં એમ.ફિલ અને પીએચડી અભ્યાસક્રમો કરી શકે છે. આ સરકારી લોન મેળવવા માટે, વિદ્યાર્થીઓએ કેટલીક શરતો પૂરી કરવી પડશે. ડૉ. આંબેડકર સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હેઠળ લોનની રકમ નિશ્ચિત નથી.
5. સેન્ટ્રલ સેક્ટર ઇન્ટરેસ્ટ સબસિડી (CSIS)
માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને ઉચ્ચ શિક્ષણ વિભાગે આ યોજના બનાવી છે. આ યોજના આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓને ભારતમાં ટેકનિકલ/પ્રોફેશનલ કોર્સ કરવા માટે વ્યાજ પર સબસિડી પૂરી પાડે છે. આ યોજના માટે અરજી કરતા વિદ્યાર્થીઓએ માન્ય ભારતીય/વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો આવશ્યક છે. અરજદારના પરિવારની કુલ આવક વાર્ષિક રૂ. 4.50 લાખથી વધુ ન હોવી જોઈએ.