નવી દિલ્હી,તા. 23 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
ભારતે કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓને હેટ ક્રાઈમના કારણે સાવચેત અને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. છેલ્લા થોડા સમયથી ભારતીયો સાથે બની રહેલી ઘટનાઓને ધ્યાને રાખીને ભારતે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે.
ભારતે ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડતા કહ્યું કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓમાં "ઝડપી વધારો" થયો છે. સરકારે કહ્યું છે કે, વિદેશ મંત્રાલયે કેનેડામાં હેટ ક્રાઇમના મામલામાં અને કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓ પર કેનેડિયન અધિકારીઓ સાથે વાતચીત કરી છે.
કેનેડાના અધિકારીઓએ ભારતીયો પર થઇ રહેલા આ ગુનાઓની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.
જો કે, મહત્વની વાત તો એ છે કે, આટલા સમયથી ભારતીયો સાથે કેનેડામાં આ ગુનાઓ થઇ રહ્યાં છે, તેના માટે જવાબદાર લોકોને કોઈ સજા આપવામાં આવી નથી,"
ભારત દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરોક્ત ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને કેનેડામાં મુસાફરી અને અભ્યાસ કરતી વખતે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવે છે.
સરકારે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ઓટાવા સ્થિત ભારતીય મિશન અથવા ટોરંટો અને વેકોવરમાં નોંધણી કરાવવા માટે પણ અપીલ કરી છે.
એક કમેન્ટમાં કહેવામાં આવ્યુ કે, આનાથી ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટ માટે કેનેડામાં ભારતીય નાગરિકો સાથે સંપર્કમાં રહેવાનું અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તેમના સુધી પહોંચવાનું સરળ બની શકશે.


