Get The App

રાજસ્થાન સ્કૂલ દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ, બાળકો ચેતવતાં રહ્યા પણ શિક્ષકોએ ધમકાવીને બેસાડ્યાં!

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
રાજસ્થાન સ્કૂલ દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ, બાળકો ચેતવતાં રહ્યા પણ શિક્ષકોએ ધમકાવીને બેસાડ્યાં! 1 - image


Rajasthan School Roof Collapse: રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં શુક્રવારે (24મી જુલાઈ) સવારે એક દુ:ખદ ઘટના બની હતી. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત તૂટી પડતાં સાત માસૂમ બાળકોના મોત થયા હતા અને અનેક બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સમયે બાળકો પ્રાર્થના સભા માટે શાળામાં હાજર હતા. અહેવાલો અનુસાર, આ જર્જરિત શાળાની ઈમારત અંગે અનેક ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમ છતાં, વહીવટીતંત્રે તેને અવગણવા કરી હતી. આ મામલે 5 શિક્ષકો અને શિક્ષણ વિભાગના એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વહીવટીતંત્રની બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઈ

સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 'શાળાની દિવાલો અને છત પહેલાથી જ જર્જરિત હાલતમાં હતી. થોડા સમય પહેલા પ્લાસ્ટરિંગ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. આ શાળાની ઈમારત 78 વર્ષ જૂની છે.'

આ પણ વાંચો: 'આગ સાથે ખેલવાનું બંધ કરો...' બિહાર SIR પ્રક્રિયા અંગે દિગ્ગજ મુખ્યમંત્રીની ECને ચેતવણી

વિદ્યાર્થીઓના જણાવ્યાનુસાર, 'છત પરથી પોપડા પડવા લાગ્યા હતા. આ અંગે શિક્ષકોને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે ધમકાવી અમને બેસાડી રાખ્યા હતા. ત્યારબાદ અચાનક છત તૂટી પડી હતી. આ દુર્ઘટના દરમિયાન શિક્ષકો નાસ્તો કરી રહ્યા હતા.'

પાંચ શિક્ષકો અને એક શિક્ષણ વિભાગના અધિકારીને સસ્પેન્ડ

આ દુર્ઘટના બાદ ગામમાં શોકનો માહોલ અને લોકોમાં રોષ ભભૂક્યો છે. પરિવારના સભ્યો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, 'શાળાની હાલત અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યુ ન હતું.' આ ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રે કાર્યવાહી કરી અને પાંચ શિક્ષકો અને એક શિક્ષણ વિભાગના અધિકારીને સસ્પેન્ડ કર્યા. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર અજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, 'તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.'

Tags :