Get The App

'આગ સાથે ખેલવાનું બંધ કરો...' બિહાર SIR પ્રક્રિયા અંગે દિગ્ગજ મુખ્યમંત્રીની ECને ચેતવણી

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
'આગ સાથે ખેલવાનું બંધ કરો...' બિહાર SIR પ્રક્રિયા અંગે દિગ્ગજ મુખ્યમંત્રીની ECને ચેતવણી 1 - image

Stalin Statement on Bihar SIR: તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિને બિહારમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી પુનઃ નિરીક્ષણ(SIR)ની પ્રક્રિયાની આકરી ટીકા કરી હતી. તેમણે આ પ્રક્રિયાને 'વ્યવસ્થામાં સુધારો નહીં, પરંતુ એક ખતરનાક પ્રયાસ જણાવ્યો છે.'

મુખ્યમંત્રી સ્ટાલિને આપી ચેતવણી 

સ્ટાલિને શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કડક શબ્દોમાં પોસ્ટ કરી ચેતવણી આપી હતી કે, લોકતંત્ર સામેના કોઈપણ જોખમ સામે આકરો વિરોધ નોંધાવવામાં આવશે. આ SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)  વિશે નથી પરંતુ પરિણામ ઘડવા વિશે છે. તેથી, આગ સાથે ન રમવાનો પ્રયાસ બંધ કરી દો.'

આ પણ વાંચોઃ થાઈલેન્ડ બોર્ડર પર યુદ્ધ યથાવત્, મૃતકાંક 27 થયો, કમ્બોડિયાએ તાત્કાલિક સીઝફાયરની કરી માંગ

લોકતાંત્રિક હથિયારથી કરીશું મુકાબલોઃ સ્ટાલિન 

તેમણે વધુમાં કહ્યું કે, 'દિલ્હી જાણે છે કે, બિહારના મતદારો, જેણે ક્યારેક તેમને મત આપ્યા હતા હવે તે જ તેમને સત્તામાંથી કાઢી મૂકશે. તેથી તે તેમના મત રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. તમિલનાડુ પોતાની પાસે હાજર લોકતાંત્રિક હથિયારથી આ અન્યાયનો મુકાબલો કરશે. બંધારણમાં વિશ્વાસ રાખનારા પ્રત્યેક નાગરિક માટે, આ ફક્ત એક રાજ્યની વાત નથી, આ આપણા ગણતંત્રનો પાયો છે. લોકતંત્ર જનતાનું છે, તેને ચોરી નહીં શકાય.'

ચૂંટણી પંચના નિર્ણયને પડકાર

સ્ટાલિનની આ ટિપ્પણી સોમવારે (21 જુલાઈ) કોર્ટમાં થયેલી એક મહત્ત્વપૂર્ણ સુનાવણીના થોડા દિવસ પહેલા આવી હતી, જેમાં વિપક્ષ અને નાગરિક સમાજ સમૂહોને બિહારથી શરુ થતાં મતદાર પુનઃ નિરીક્ષણના નિર્ણયની પ્રક્રિયાને પડકારવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ ટ્રમ્પ-મેલોની જેવા દિગ્ગજો પાછળ થયા, સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં વડાપ્રધાન મોદી ટોચે

સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ

સુપ્રીમ કોર્ટમાં દાખલ એક જાહેરનામાંમાં ચૂંટણી પંચે કહ્યું કે, તેમની પાસે મતદારોને, ખાસ કરીને જુલાઈ 1987 અને ડિસેમ્બર 2004 વચ્ચે જન્મેલા લોકોને, વિશેષ દસ્તાવેજોના માધ્યમથી પોતાની નાગરિકતા સાબિત કરવાની માંગ કરવાનો બંધારણીય અધિકાર છે. તેનાથી એક સ્ટેપ આગળ વધીને તર્ક આપવામાં આવ્યો કે, સંસદ પણ આ અધિકારને ખતમ ન કરી શકે. 

SIR શું છે અને આ પ્રક્રિયા કેમ જરૂરી છે?

ચૂંટણીપંચ દ્વારા શરૂ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામાં પર નોંધાયેલા છે.

Tags :