Toxic Water in Indore: દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાને કારણે ગંભીર બીમારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 100થી વધુ લોકોને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે તપાસના આદેશ આપી વળતરની જાહેરાત કરી છે.
આરોગ્ય વિભાગે 12,000 લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કર્યું
અહેવાલો અનુસાર, ઈન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો ઊભી થઈ હતી. આ પાણી પીવાથી અચાનક મોટી સંખ્યામાં લોકોને ઉલટી-દસ્ત અને ડિહાઇડ્રેશનની અસર થવા લાગી હતી. આરોગ્ય વિભાગ દ્વારા 70 વર્ષીય નંદલાલ પાલ, 60 વર્ષીય ઉર્મિલા યાદવ અને 65 વર્ષીય તારા કોરીનું દૂષિત પાણી પીવાને કારણે મૃત્યુ થયા છે. જો કે, સ્થાનિકોનો દાવો છે કે કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં 111 દર્દીઓ વિવિધ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા 12,000 લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ફરી ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ, રોડ પર ફેંકી ભાગ્યા નરાધમ, ફરિદાબાદની હચમચાવતી ઘટના
તંત્રની કડક કાર્યવાહી
મુખ્યમંત્રી મોહન યાદવના કડક નિર્દેશ બાદ નગર નિગમના જવાબદાર અધિકારીઓ સામે ગાજ પડી છે. એક ઝોનલ ઑફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સબ-એન્જિનિયરની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે IAS અધિકારીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવી છે.
સરકાર દ્વારા સહાયની જાહેરાત
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઈન્દોર કલેક્ટર અને મહાનગરપાલિકાને દરેક દર્દીને ઉત્તમ સારવાર પૂરી પાડવા અને પાણીની લાઇનોમાં થયેલા ભંગાણ અથવા પ્રદૂષણના સ્ત્રોતને તાત્કાલિક શોધવા આદેશ આપ્યા છે.
સ્થાનિકોમાં ભારે રોષ
ભગીરથપુરાના રહેવાસીઓ મુજબ, નર્મદાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળ્યું હોવાની આશંકા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે સ્વચ્છતામાં નંબર 1 ગણાતા શહેરમાં પીવાના પાણીની સુરક્ષા બાબતે આટલી મોટી લાપરવાહી કેવી રીતે થઈ શકે.


