Faridabad News : તાજેતરમાં જ રાજસ્થાનના ઉદયપુરમાં ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે આવી જ વધુ એક ઘટના હરિયાણાના ફરિદાબાદમાં બની છે. અહીં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી જ્યાં 25 વર્ષીય મહિલા પર રાતે લિફ્ટ આપવાના બહાને હેવાનિયત ગુજારાઈ હતી.
સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ચાલતી ગાડીથી ફેંકી
પીડિતાએ આ ઘટના વિશે જણાવતા કહ્યું કે બે નરાધમોએ ચાલતી કારમાં મારી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હતું અને આખી રાત હેવાનિયત ગુજાર્યા બાદ મને ચાલતી કારમાંથી ધક્કો મારી બહાર ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે બે લોકોની અટકાયત પણ કરી લીધી છે.
જાણો સંપૂર્ણ ઘટના
અહેવાલ અનુસાર સોમવાર સાંજે લગભગ 8:30 વાગ્યે મહિલા જ્યારે ઘરેથી નીકળી રહી હતી ત્યારે ઘરે તેની માતા સાથે તેનો ઝઘડો થયો હતો. જેના પછી તે નારાજ થઇ જતી રહી હતી. પીડિતા તેની બહેનને જણાવીને ગઇ હતી કે તે કોઈ મિત્રના ઘરે જઈ રહી છે અને બે ત્રણ કલાકમાં પાછી આવી જશે પણ રાતે મોડું થઈ જતાં તેને કોઈ વાહન નહોતું મળી રહ્યું. છેવટે કલ્યાણપુરી વિસ્તારમાં મેટ્રો ચોક નજીક તેને વાનમાં આવેલા બે લોકોએ લિફ્ટ ઓફર કરી. પીડિતા તેમાં બેસી ગઇ હતી. તેણે વિચાર્યું હશે કે તે શાંતિથી ઘરે પહોંચી જશે પરંતુ આ લિફ્ટ તેના માટે ભયાવહ સાબિત થઇ.
શું થયું રસ્તામાં?
વાનચાલક અને તેનો સાથી પીડિતાને ઘરે મૂકવાની જગ્યાએ ગુરુગ્રામ-ફરિદાબાદ રોડ તરફ લઈ ગયા હતા. અહીં હનુમાન મંદર વિસ્તારથી આગળ વધી ગયા હતા. ત્યાં મહિલાને શંકા થતા તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. રાતે વધારે પડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે કોઈ તેને મદદ માટે ન જડ્યો. પોલીસે કહ્યું કે આ વાત લગભગ ત્રણ કલાક સુધી અલગ અલગ સુમસાન રસ્તાઓ પર ફરતી રહી. આ દરમિયાન આરોપીઓએ વારાફરતી સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. પછી મંગળવારે સવારે લગભગ 3 વાગ્યે આ લોકો વાનમાંથી ઘાયલ અવસ્થામાં યુવતીને ફેંકીને જતા રહ્યા હતા.


