Get The App

મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ લોકલ કે મોતની સવારી? 8 વર્ષમાં 8273 મુસાફરોના મોત, મોટાભાગની દુર્ઘટના 3 કારણે થઇ 1 - image


8273 Passengers Died In Railway Accidents in 8 Years: સેન્ટ્રલ રેલવેએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે, 2025ના પહેલા 5 મહિનામાં જ અત્યાર સુધીમાં 443 લોકો રેલવે ટ્રેક પર અતિક્રમણ કરતી વખતે અથવા લોકલ ટ્રેનોમાંથી પડી જવાથી મૃત્યુ પામ્યા છે. બોમ્બે હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરતા સેન્ટ્રલ રેલવેએ એડવોકેટ અનામિકા મલ્હોત્રા દ્વારા પોતાનું સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનાઓના મુખ્ય ત્રણ કારણ છે જે, રેલવે ટ્રેક પર અતિક્રમણ, રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનોની લપેટમાં આવી જવું અને ચાલતી ટ્રેનમાંથી પડી જવું છે.

8 વર્ષમાં 8273 મુસાફરોના મોત

સેન્ટ્રલ રેલવે દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામા પરથી જાણી શકાય છે કે, 2018માં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની લપેટમાં આવી જવાથી 1022 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે બીજી તરફ ચાલુ ટ્રેનમાંથી પડી જવાના કારણે 482 લોકોના મોત થઈ ગયા છે. 2019માં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે 920 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી 426 લોકોના મોત થઈ ગયા હતા. 2020માં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની લપેટમાં આવી જવાથી 471 લોકોના મોત થયા છે, જ્યારે ચાલુ ટ્રેનમાંથી પડી જવાના કારણે 134 લોકોના મોત થઈ ગયા છે. 

બીજી તરફ 2021માં ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જતા 748 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી 189 લોકો મોતને ભેટ્યા હતા. 2022માં આ સંખ્યા અનુક્રમે 654 અને 510 હતી. 2023માં 782 અને 431 હતી અને 2024માં 674 અને 387 હતી. આ વર્ષે મે મહિના સુધીમાં ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી જવાથી 293 લોકોના મોત થઈ ગયા છે અને ચાલુ ટ્રેનમાંથી પડી જવાથી અત્યાર સુધીમાં 150 લોકો મૃત્યુ પામ્યા છે. ગત 9 જૂનના રોજ મુમ્બ્રાની દુર્ઘટના જેમાં એકબીજા પાસેથી પસાર થતી બે લોકલ ટ્રેનમાંથી 8 મુસાફરો પડી ગયા હતા, તેમાંથી પાંચ લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: ગલવાન અથડામણ બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો ચીન વિશે શું કહ્યું

મુમ્બ્રા દુર્ઘટના બાદ બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ રેલવે પાસે માગ્યો હતો રિપોર્ટ

આ દુર્ઘટનાનું સંજ્ઞાન લેતા બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ રેલવે પાસે છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન થયેલી આવી દુર્ઘટનાનો રિપોર્ટ માગ્યો હતો. કોર્ટના આદેશનું પાલન કરતા સેન્ટ્રલ રેલવેએ આ સોંગદનામુ દાખલ કર્યું હતું. મુમ્બ્રા દુર્ઘટનાની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બે હાઈસ્પીડ લોકલ ટ્રેનો એકસાથે પસાર થવાને કારણે ટ્રેક પર જ્યારે કર્વ આવ્યો ત્યારે દરવાજા પાસે ઉભેલા મુસાફરોએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને જેમણે કંઈ નહોતું પકડ્યું તેઓ નીચે પડી ગયા હતા. આવી દુર્ઘટનાઓના મુખ્ય કારણોમાં રેલવે ટ્રેક પર અતિક્રમણ, બેદરકારીપૂર્વક ટ્રેક ક્રોસ કરવો અને ચાલતી ટ્રેનોના દરવાજા પર લટકીને મુસાફરી કરવી સામેલ છે.

Tags :