Get The App

ગલવાન અથડામણ બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો ચીન વિશે શું કહ્યું

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
ગલવાન અથડામણ બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો ચીન વિશે શું કહ્યું 1 - image


S Jaishankar Meets Xi Jinping SCO Summit: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ ચીનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં સામેલ થયા છે. તેમની આ મુલાકાત ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં સુધારાનો સંકેત આપી રહી છે. આજે મંગળવારે તેમણે ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેઓએ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારા મુદ્દે વાતચીત થઈ હતી. 

જયશંકરે શી જિનપિંગ સાથેની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા X પર શેર કરતાં જણાવ્યું હતું કે, આજે સવારે બેઈજિંગમાં SCOના વિદેશ મંત્રીઓ સાથે મેં રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ પણ જિનપિંગને આપ્યા છે. બંને પક્ષે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે વાત કરી છે. આ મામલે આપણા નેતાઓના માર્ગદર્શનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. 



2020 બાદ પ્રથમ વખત ચીનની મુલાકાત

ગલવાન ખીણમાં વર્ષ 2020માં થયેલી અથડામણ બાદ પહેલી વાર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનની મુલાકાતે ગયા છે. ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ભારત-ચીન સંબંધો સુધારવા માટે જયશંકરની ચીનની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતે આ વર્ષે SCO કોન્ફરન્સના આયોજન બદલ ચીનનું સમર્થન કર્યું છે. વધુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ જયશંકરે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આ મુલાકાત દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જે સકારાત્મક વલણ આવશે, તે જળવાઈ રહેશે.

આ પણ વાંચોઃ ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન

ચીન પણ ભારત સાથે સંબંધ સુધારવા માગે છે

ચીનના ઉપ પ્રમુખ હાન ઝેંગે પણ ભારત સાથે પરસ્પર સહયોગ વધારવા સલાહ આપી છે. ઉપરાષ્ટ્રપતિ ઝેંગે ગઈકાલે કહ્યું હતું કે, ભારત અને ચીન બંને મોટા વિકાસશીલ દેશો છે અને 'ગ્લોબલ સાઉથ'ના મહત્વપૂર્ણ સભ્યો છે. આવી સ્થિતિમાં, બંને દેશોના વિકાસ માટે સહયોગ કરવો અને સાથે મળીને આગળ વધવુ હિતાવહ રહેશે. બંને દેશોના સંબંધોને 'ડ્રેગન-એલિફન્ટ ટેંગો' કહી સંબોધ્યા હતાં.

આજે એસ. જયશંકર તિયાનજિનમાં આયોજિત SCOમાં સામેલ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જેમાં તેઓ LAC પર તણાવ ઘટાડવા, સરહદ પર શાંતિ જાળવી રાખવા અને વેપાર-રોકાણ મુદ્દે ચર્ચાઓ કરશે.

ગલવાન અથડામણ બાદ પહેલીવાર જિનપિંગ સાથે જયશંકરની મુલાકાત, જાણો ચીન વિશે શું કહ્યું 2 - image

Tags :