દેશમાં આજે કોરોનાના 16 નવા કેસ, બેંગલુરૂ અને થાણેમાં એક-એક મોત, કુલ એક્ટિવ કેસ 350ને પાર
Corona Cases : વિશ્વ સહિત ભારતમાં પણ કોરોનાએ ફરી એન્ટ્રી મારી છે, ત્યારે દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કુલ એક્ટિવ કેસ 350ને પાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે આજે શનિવારે (24 મે, 2025) કોરોનાના 16 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ, સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, બેંગલુરૂમાં 84 વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું છે. આ પહેલા મહારાષ્ટ્રના થાણેમાં 21 વર્ષના યુવકનું મોત નીપજ્યું હતું.
દેશમાં કુલ એક્ટિવ કેસ 350ને પાર
દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે આજે શનિવારે મહારાષ્ટ્રના થાણેમાં 8, ઉત્તરાખંડ-હરિયાણામાં 3-3 અને યુપીના નોઈડા, કર્ણાટકના બેલગાવીમાં એક કેસ સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 23 મેના રોજ અમદાવાદમાં 20, યુપીમાં 4, હરિયાણામાં 5 અને બેંગલુરુમાં 9 મહિનાના એક બાળક કોરોના પોજિટિવ જણાય આવ્યો હતો. એટલે દેશમાં અત્યારસુધીમાં કુલ 350 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે.
જ્યારે દિલ્હી સરકારે કોવિડ-19ને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે તમામ હોસ્પિટલને જણાવ્યું છે કે, તેઓ બેડ, ઓક્સિજન, દવાઓ અને વેક્સિનની પૂરી વ્યવસ્થામાં રહે. જેમાં દિલ્હીના તમામ હોસ્પિટલોને નિર્દેશ કર્યો છે કે, દરેક પોઝિટિવ કોવિડ સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે લોકનાયક હોસ્પિટલમાં મોકલવામાં આવે.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ, પૂરમાં 20-30 વાહનો તણાયા, ભૂસ્ખલનમાં એકનું મોત
મળતી માહિતી મુજબ, ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 33 એક્ટિવ કેસ હોવાનું સામે આવ્યું છે. દિલ્હીના હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, ગત ગુરુવાર સુધીમાં રાજધાનીમાં 23 કેસ નોંધાયા હતા. ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં 4 નવા દર્દીઓ આવ્યા હતા. જેમાં ત્રણ દર્દીઓને આઈસોલેશનમાં રાખ્યા હતા, જ્યારે એક હોસ્પિટલમાં દાખલ છે. હરિયાણામાં 48 કલાકમાં 2 મહિલાઓ સહિત 5 દર્દીઓ મળ્યા છે. આ તમામ દર્દીઓની કોઈ પ્રકારે ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.