શાંતિવાળી જગ્યાએ ફરવા જવું છે? તો આ પાંચ શહેરોમાં પહોંચી જાઓ, મળશે પરમ આનંદ
Peaceful cities in India: દરેક લોકોને હંમેશા આનંદમાં રહેવું ગમે છે, પરંતુ તેના જીવનમાં એક ક્ષણ એવી આવે છે કે, જ્યારે તે નિરાશ, પોતાની જાતને કમજોર અને બેચેની અનુભવે છે. આ ક્ષણ એવી હોય છે કે, દુખ શરીર કરતાં દિલ પર પીડા વધારે આપે છે. આ દુખ પીડાને મટાડવા માટે વ્યક્તિને કોઈ થેરાપી કે સમયની જરૂર નથી હોતી, પરંતુ એક શાંત જગ્યા અથવા ક્ષણ દિલને આરામ અને રાહત આપે છે. ભારતમાં આવા ઘણા ઈમોશનલ ડેસ્ટિનેશન છે, જ્યાં પહોંચીને લોકો કોઈની પરવા કર્યા વિના ખુલ્લેઆમ રડે છે. જ્યાં તેમનું દુઃખ આરામ અને શાંતિમાં ફેરવાઈ જાય છે.
આ પણ વાંચો: NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું
લોકો માત્ર અહીં પોતાના ભૂતકાળને ભૂલી જવા માટે જ નહીં, પણ પોતાની સાથે બીજાઓને માફ કરવા માટે પણ આવે છે. જો તમે પણ તમારા જીવનમાં કોઈ ભૂલ, દુ:ખ કે પ્રિયજનો ગુમાવવાના દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો, તો હવે હતાશ થશો નહીં, પરંતુ જીવનમાં શાંતિ અને આરામ અનુભવવા માટે ભારતના આ 5 ફેમસ ઈમોશનલ સ્થળો પર આવી શકો છો. અહીં આવવા માટે તમારે પાસપોર્ટ કે વિઝાની જરૂર નહીં પડે.
ભારતના 5 ભાવનાત્મક સ્થળો
વારાણસી, ઉત્તર પ્રદેશ
વારાણસી શહેર વિશે એવું કહેવામાં આવે છે કે, અહીં મૃત્યુ પામેલા વ્યક્તિને પુનર્જન્મના ચક્રમાંથી કાયમ માટે મુક્તિ મળે છે. પરંતુ જો તમે પહેલાથી જ તમારી લાગણીઓને મારી નાખી હોય અને તમારુ જીવન નિરાશા અને અંધકારથી ભરાઈ ગયું હોય તો, તમને જણાવી દઈએ કે, વારાણસી માત્ર મૃતકો માટે જ નથી, તે એવા જીવંત લોકો માટે પણ છે જે જીવનમાં કોઈપણ પ્રકારનું દુ:ખ વહન કરી રહ્યા છે. અહીં આવતાં તમને ઊંડી શાંતિ અને હળવાશ અનુભવાશે. અહીં લોકો ઘાટ પર માત્ર મૃતદેહો જ નહીં પરંતુ તેમના દુ:ખ અને પસ્તાવો પણ બાળે છે.
ઋષિકેશ, ઉત્તરાખંડ
આપણે સૌ ઋષિકેશને માત્ર યોગ અને વોટર રાફ્ટિંગ માટેનું સ્થળ માનીએ છીએ. પરંતુ શહેરોના ઘોંઘાટથી દૂર શાંતિની થોડી ક્ષણો વિતાવવા માટે અહીં આવે છે. અહીં આવતા લોકો ગંગા કિનારે બેસીને શાંતિનો અનુભવ કરે છે. તેમજ ગંગા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીં પહોંચ્યા પછી વ્યક્તિને એવું લાગે છે કે, ગંગા માત્ર પગ નથી ધોતી પણ હૃદયમાં છુપાયેલા દુ:ખને પણ ધોઈ નાખે છે.
બોધગયા, બિહાર
ગૌતમ બુદ્ધને બોધગયામાંથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું. લોકો અહીં ત્યારે આવે છે જ્યારે તેઓ ભાવનાત્મક રીતે પોતાની જાતને ખૂબ જ તૂટેલી અનુભવે છે. તેમના દુ:ખમાં નિષ્ફળ લગ્ન, કૌટુંબિક દુર્વ્યવહાર, બાળકો ગુમાવવા અને કોઈ પ્રિયજનને દુઃખ પહોંચાડવાનો અપરાધ શામેલ હોઈ શકે છે. આવા લોકો બોધિ વૃક્ષ નીચે તેમના પ્રશ્નોના જવાબ મેળવવા માટે નહીં પરંતુ સ્વીકૃતિ મેળવવા માટે બેસે છે. ગૌતમ બુદ્ધે પણ તેમના ભૂતકાળના દુ:ખને ભૂલીને તેને જ્ઞાનમાં પરિવર્તિત કર્યું હતું. બોધ ગયામાં ઘણા દિવસો સુધી મૌન બેસનારા લોકો પણ માને છે કે, ક્યારેક ભૂતકાળને માફ કરવાનો અર્થ એ નથી કે તેને ભૂલી જવું. તેનો મતલબ એ છે કે, તેને પાઠ તરીકે જોવું અને સજા તરીકે નહીં.
ત્સો મોરીરી, લદ્દાખ
શહેરોનો અવાજ લદ્દાખના ત્સો મોરીરીમાં શાંત થઈ જાય છે. ભીડ-ભાડથી દૂર ઊંચાઈ આવેલા તળાવો છે. ત્યાં પહોંચવું સરળ નથી. અહીં આવતા મોટાભાગના લોકો પ્રવાસીઓ નથી, પરંતુ એવા પ્રવાસીઓ છે જે કોઈ પ્રકારની પીડા અનુભવી રહ્યા છે, અને જીવનમાં શાંતિની શોધ કરી રહ્યા છે. 15,000 ફૂટની ઊંચાઈ પર હવા ચોક્કસપણે પાતળી હોય છે, પરંતુ તે એક અલગ પ્રકારની શાંતિ જોવા મળે છે. અહીં ન તો ફોનના સિગ્નલ છે, ન સોશિયલ મીડિયા, ન તો કોઈ ધ્યાન ભટકાવનારી વસ્તુઓ. અહીં તો બસ તાજી હવા, પાણી, પર્વતો અને તમે જ છો, જ્યાં તમે સરળતાથી તમારી જાતને સાંભળી શકો છો.
આ પણ વાંચો: કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી
માજુલી ટાપુ, આસામ
અસમમાં બ્રહ્મપુત્રા નદી પરનો માજુલી આઇલેન્ડ દુનિયાનો સૌથી મોટો રિવર આઇલેન્ડ છે. એક સમયે બ્રાઝિલનો મરાઝો ટાપુ સૌથી મોટો ગણવામાં આવતો હતો. જો કે મરાઝોની નજીક એટલાન્ટિક મહાસાગર હોવાથી આસામનો માજૂલી જ દુનિયાનો સૌથી મોટો રિવરટાપુ હોવાનું ગિનિઝ બુકમાં પણ નોંધાયું છે.
માજુલી ટાપુએ કુદરતી સુંદરતા, સમૃદ્ધ સંસ્કૃતિ અને જીવંત મઠો માટે જાણીતું છે. અહીં પહોંચતા લોકોને શહેરોની ભીડ- ભાડ તેમજ ભાગદોડમાંથી રાહત મળે છે. અહીં આવતા મોટાભાગના લોકો પોતાની જાતને માનસિક રીતે થાકેલી અનુભવે છે. માજુલીમાં જીવન એક હોડીની જેમ ધીમું, શાંત અને સુંદર ચાલે છે. અહીં લોકો વધુ સ્મિત કરે છે, પક્ષીઓ મોટેથી ગાય છે અને હવા પણ ઓછી પ્રદૂષિત અને સ્વચ્છ છે. લોકો અહીં શાંતિની શોધમાં ભટકતા નથી, પરંતુ પોતાની જાતને મહેસૂસ કરે છે.