NCERTએ ધો.8ના પુસ્તકમાં કર્યા ફેરફાર, જાણો બાબર, અકબર અને ઔરંગઝૈબ વિશે શું કહેવાયું
NCERT Textbook Changes : હાલમાં NCERT એ ધોરણ 8 ની સામાજિક વિજ્ઞાન પુસ્તકમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે. મળતી માહિતી પ્રમાણે NCERT એ નવા પ્રકરણમાં બાબરને ક્રૂર વિજેતા ગણાવ્યો છે. તો અકબર અને ઔરંગઝેબના પ્રકરણોમાં પણ કેટલાક ફેરફારો કર્યો છે. NCERT ના નવા પુસ્તકો માર્કેટમાં આવી ચૂક્યા છે, પરંતુ તેમણે હજુ સુધી આ અંગે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.
NCERT એ ધોરણ 8 ની સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ફેરફાર કર્યા છે. હવે પુસ્તકમાં દિલ્હી સલ્તનત અને મુઘલ કાળમાં ધાર્મિક અસહિષ્ણુતાના ઉદાહરણો આપવામાં આવ્યા છે. અકબરને સહિષ્ણુતા અને ક્રૂરતાના મિશ્રણવાળો બતાવવામાં આવ્યો છે. પુસ્તકમાં ઔરંગઝેબને મંદિર અને ગુરુદ્વારાનો નાશ કરનાર તરીકે વર્ણવવામાં આવ્યો છે.
પુસ્તકમાં ફેરફારો અંગે NCERT પાસે નથી કોઈ જવાબ
NCERT દ્વારા આ અંગે હાલમાં કોઈ જવાબ કે સ્પષ્ટતા આપવામાં આવી નથી. આ ફેરફારો શા માટે કરવામાં આવ્યા છે તે અંગે કોઈ માહિતી નથી. જોકે, આ અંગે NCERT જવાબ આપી શકે છે.
વિવાદથી બચવા માટે અપનાવી આ પદ્ધતિ
પુસ્તકોમાં ફેરફાર પછી વિવાદ ઊભો થઈ શકે છે. જેને ટાળવા માટે NCERT એ એક યુક્તિ પણ અપનાવી છે. આ ઉપરાંત તેણે એક સ્પેશિયલ નોંધ પણ લખી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 'ભૂતકાળની ઘટનાઓ માટે આજે કોઈને દોષી ઠેરવવા ન જોઈએ.'
ગયા વર્ષે પણ કેટલાક ફેરફારો કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, NCERT એ ગયા વર્ષે પણ પુસ્તકોમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા હતા. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 'રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક'નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના પુસ્તકોમાં વીર અબ્દુલ હમીદ પર એક ચેપ્ટર ઉમેરવામાં આવ્યો હતો. અબ્દુલ હમીદ ભારતીય સેનાના 4થા ગ્રેનેડિયરના સૈનિક (CQMH) હતા. આ પહેલા પણ પુસ્તકોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, પરંતુ 2025 ના નવા પુસ્તકોમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.