SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Top 10 Arms Importers : વિશ્વભરમાં હથિયારોની સપ્લાય પર નજર રાખતી સંસ્થા 'સિપ્રી' (SIPRI) દ્વારા સૌથી વધુ હથિયારો આયાત કરતા દેશોનો ડેટા સાથે રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2021થી 2025 દરમિયાન ભારત વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ રહ્યો છે. જોકે, અગાઉના વર્ષોની સરખામણીએ ભારતની હથિયારોની આયાતમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સપ્લાયમાં રશિયા ભારતનો મુખ્ય ભાગીદાર
ભારત પોતાની જરૂરિયાતના સૌથી વધુ 40 ટકા હથિયારો રશિયા પાસેથી ખરીદે છે. જોકે, રશિયા પરની નિર્ભરતામાં સમય જતાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2011-15માં ભારત 70 ટકા હથિયારો રશિયા પાસેથી લેતું હતું, જે 2016-20માં ઘટીને 51 ટકા અને હવે 40 ટકા પર આવી ગયું છે. ભારત હવે પશ્ચિમી દેશો તરફ વળ્યું છે અને ફ્રાન્સ તેમજ ઈઝરાયેલ પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રોની ખરીદી કરી રહ્યું છે.
વૈશ્વિક સ્તરે યુક્રેન પ્રથમ નંબરે, ચીન ટોપ-10માંથી બહાર
રિપોર્ટ મુજબ, રશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેન વિશ્વમાં હથિયારોનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે, જે વૈશ્વિક હિસ્સાના 9.7 ટકા આયાત કરે છે. બીજી તરફ, પાડોશી દેશ ચીને પોતાની ઘરેલું ઉત્પાદન ક્ષમતા વધારતા 1991-95 પછી પ્રથમ વખત તે હથિયાર આયાત કરનારા વિશ્વના ટોપ-10 દેશોની યાદીમાંથી બહાર નીકળી ગયું છે.
અમેરિકાનું વર્ચસ્વ વધ્યું, પાકિસ્તાનની આયાતમાં ઉછાળો
હથિયારોની નિકાસની વાત કરીએ તો અમેરિકાએ પોતાનું વર્ચસ્વ મજબૂત કર્યું છે. વિશ્વના કુલ હથિયાર પુરવઠામાં અમેરિકાનો હિસ્સો વધીને 42 ટકા થયો છે. એશિયા અને ઓશેનિયા ક્ષેત્રમાં ભારત, પાકિસ્તાન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સૌથી મોટા ખરીદદારો છે. પાકિસ્તાનની હથિયાર આયાતમાં 66 ટકાનો તોતિંગ વધારો થયો છે, જેમાં ચીન તેનો મુખ્ય સપ્લાયર છે (80 ટકા હથિયારો ચીન આપે છે).
તણાવના કારણે હથિયારોની માંગ વધી
છેલ્લા ઘણા વર્ષોથી મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને વારંવાર તણાવ ભર્યો માહોલ જોવા મળ્યો છે, જેના કારણે મોટાભાગના દેશોમાં હથિયારોની માંગ વધી છે. યુરોપે પોતાની હથિયારોની આયાતમાં ત્રણ ગણો વધારો કર્યો છે. અમેરિકા તરફથી યુરોપને થતી નિકાસમાં 217 ટકાનો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો : યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડૉલરનું નુકસાન








