TMCનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાયો, પાર્ટી કોર્ટમાં ECના નિર્ણયને પડકારે તેવી શક્યતા
- ભાજપે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લેવા પર TMC પર નિશાન સાધ્યું
કોલકાતા, તા. 11 એપ્રિલ 2023, મંગળવાર
રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધા બાદ મમતા બેનર્જીના નેતૃત્વ વાળી TMC ચૂંટણી પંચના નિર્ણયનો કોર્ટમાં પડકારવાનો વિચાર કરી રહી છે. એટલા માટે પાર્ટી હાલમાં વિકલ્પો શોધી રહી છે. ચૂંટણી પંચે સોમવારે પોતાના એક નિર્ણયમાં તૃણમુલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લીધો છે.
ચૂંટણી પંચના આ નિર્ણય અંગે TMCએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પક્ષના નેતાઓનું કહેવું છે કે ટીએમસી આ નિર્ણયને કાયદાકીય રીતે પડકારવા માટે વિકલ્પો શોધી રહી છે. તે જ સમયે, ભાજપે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવી લેવા પર TMC પર નિશાન સાધ્યું છે.
પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંતા મજમૂદારે ટ્વીટ કરીને લખ્યું કે, TMCનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લેવાયો છે અને હવે તે એક ક્ષેત્રીય પાર્ટી છે. દીદીના TMCને મોટી બનાવવાના પ્રયત્નો પૂરા નથી થઈ રહ્યા. કારણ કે, લોકો જાણી ચૂક્યા છે કે, TMC સૌથી ભ્રષ્ટ, તુષ્ટીકરણ કરનારી અને આતંક ફેલાવનારી સરકારની પાર્ટી છે. તેમની સરકાર પડવાનું નક્કી છે કારણ કે, પશ્ચિમ બંગાળના લોકો આ સરકારને લાંબા સમય સુધી સહન નહીં કરશે.
ચૂંટણી પંચનો નિર્ણય
સોમવારે ચૂંટણી પંચે પોતાના નિર્ણયમાં NCP અને TMCનો દરજ્જો રાષ્ટ્રીય પક્ષમાંથી ઘટાડીને પ્રાદેશિક પાર્ટીનો કરી દીધો હતો. મમતા બેનર્જીએ 1 જાન્યુઆરી 1998ના રોજ કોંગ્રેસથી અલગ થઈને ટીએમસીની રચના કરી હતી. 2001 અને 2006માં અસફળ પ્રયાસો બાદ TMCએ 2011માં ડાબેરી મોરચાને હરાવીને પશ્ચિમ બંગાળમાં ફરીથી સત્તા મેળવી હતી.