| (IMAGE - IANS) |
Tirumala TTD Silk Shawls Scam: આંધ્ર પ્રદેશના જગવિખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડની ચર્ચા હજી શાંત નથી થઈ, ત્યાં જ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD)માં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. મંદિરનું સંચાલન કરનારી ટ્રસ્ટ TTDની આંતરિક તપાસમાં ખુલાસો થયો છે કે, એક કોન્ટ્રાક્ટરે વર્ષ 2015થી 2025 એમ દસ વર્ષ સુધી 100% પોલિએસ્ટરના શૉલને શુદ્ધ મલબરી સિલ્ક શૉલ ગણાવીને ₹54 કરોડથી વધુનું બિલ પાસ કરાવી દીધું હતું. આ કૌભાંડના ખુલાસાથી ભારે ખળભળાટ મચી ગયો છે.
પોલિએસ્ટર શૉલના વસૂલ્યા રેશમ જેટલા ઊંચા ભાવ
TTDની આંતરિક તપાસ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર 100% પોલિએસ્ટર શૉલને સતત એક દાયકા સુધી 100% શુદ્ધ મલબરી સિલ્ક શૉલ તરીકે સપ્લાય કરી રહ્યો હતો અને તેના માટે સિલ્કના ઊંચા ભાવ વસૂલતો હતો.
TTD બોર્ડના ચેરમેન બી. આર. નાયડુના નેતૃત્વમાં શૉલની ગુણવત્તા પર શંકા વ્યક્ત થયા બાદ આ તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં આ કથિત છેતરપિંડીનો પર્દાફાશ થયો. ઉલ્લેખનીય છે કે, આ શૉલનો ઉપયોગ મંદિર દ્વારા મોટા દાતાઓને કે વીઆઇપીને સન્માનમાં આપવા માટે તેમજ 'વેદાસિરવચનમ' જેવી મંદિરની ધાર્મિક વિધિઓમાં થતો હતો.
બે લેબમાં સેમ્પલ મોકલાયા, પોલિએસ્ટર હોવાનો ખુલાસો
TTD બોર્ડના ચેરમેન બી. આર. નાયડુએ જણાવ્યું કે, 'આ ગેરરીતિઓ છેલ્લા દસ વર્ષ દરમિયાન થઈ, જેના કારણે મંદિર ટ્રસ્ટને અંદાજે ₹54 કરોડથી વધુનું નુકસાન થયું. TTD બોર્ડના ચેરમેન બી. આર. નાયડુએ કહ્યું 'એક શૉલની કિંમત લગભગ ₹350 છે, તેનું બિલ ₹1300નું બનાવવામાં આવ્યું અને તેની ચૂકવણી પણ કરવામાં આવી. કુલ સપ્લાય ₹50 કરોડથી વધારેની હશે. અમે ACB(એન્ટી-કરપ્શન બ્યુરો)ને આ મામલે તપાસ કરાવવા માટે કહ્યું છે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'શૉલના સેમ્પલ ટેસ્ટીંગ માટે બે લેબમાં મોકલાયા હતા, જેમાંથી એક સેન્ટ્રલ સિલ્ક બોર્ડ(CSB) હેઠળ હતી. આ બંને ટેસ્ટમાં સાબિત થયું કે મટિરિયલ પોલિએસ્ટર હતું, જે ટેન્ડરની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તકેદારી અધિકારીઓએ એ પણ નોંધ્યું કે, અસલી સિલ્ક પ્રોડક્ટ્સને પ્રમાણિત કરવા માટે જરૂરી સિલ્ક હોલોગ્રામ પણ સપ્લાય કરાયેલા નમૂનાઓમાં ન હતો.
એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન TTDને કાપડની મોટાભાગની સપ્લાય માટે એક જ ફર્મ અને તેની સાથે જોડાયેલી અન્ય કંપનીઓ જવાબદાર હતી.
આ પણ વાંચો: ગાંધીનગર, ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર: દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ
તમામ ટેન્ડર રદ, ACBને સોંપાઈ તપાસ
વિજિલન્સ રિપોર્ટ મળ્યાના તુરંત બાદ TTD ટ્રસ્ટ બોર્ડે તે ફર્મ સાથેના તમામ હાલના ટેન્ડર રદ કરી દીધા છે અને સમગ્ર મામલાને સંપૂર્ણ ફોજદારી તપાસ માટે સ્ટેટ એન્ટી-કરપ્શન બ્યુરો(ACB)ને સોંપી દીધો છે.
ગત વર્ષે જ આ મંદિરમાં પાંચ વર્ષના ગાળા દરમિયાન આશરે ₹250 કરોડની કિંમતના 68 લાખ કિલો નકલી ઘીની સપ્લાય કરવાનો અને તેનાથી પ્રસાદ(લાડુ) બનાવવાનો મામલો પણ સામે આવ્યો હતો.


