તિરુપતિ ટ્રસ્ટની મોટી કાર્યવાહી, 4 બિનહિન્દુ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કર્યા, આ હતું કારણ
TTD Controversy: આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)મંદિરે 4 કર્મચારીઓને કથિત રીતે અન્ય ધર્મોનું પાલન કરવાના આરોપસર સસ્પેન્ડ કર્યા છે. આ કર્મચારીઓમાં એક ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એક સ્ટાફ નર્સ, એક ફાર્માસિસ્ટ અને એક આયુર્વેદિક ફાર્મસી ડૉક્ટરનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ટીટીડીના વિજિલન્સ વિભાગના રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે કરવામાં આવી છે. આનાથી ધાર્મિક ભેદભાવનો વિવાદ ઊભો થયો છે.
કર્માચારીઓએ સંસ્થાની આચારસંહિતાનું પાલન કર્યું નથી
અહેવાલો અનુસાર, જે કર્મચારીઓને મંદિરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમણે સંસ્થાની આચારસંહિતાનું પાલન કર્યું નથી. તેમણે એક હિન્દુ ધાર્મિક સંગઠનનું પ્રતિનિધિત્વ કરતી વખતે અને તેમાં કામ કરતા કર્મચારીઓ તરીકે પોતાની ફરજો બજાવતી વખતે બેજવાબદારીભર્યું વર્તન કર્યું છે. તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે ટીટીડી વિજિલન્સ વિભાગ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ અને અન્ય પુરાવાઓની તપાસ કર્યા પછી, નિયમો અનુસાર તેમની સામે વિભાગીય કાર્યવાહી કરઈ છે.
આ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં બી. એલિઝાર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ક્વોલિટી કંટ્રોલ), એસ. રોઝી, સ્ટાફ નર્સ, બીઆઈઆરઆરડી હોસ્પિટલ, એમ. પ્રેમાવતી, ગ્રેડ-1 ફાર્માસિસ્ટ, બીઆઈઆરઆરડી હોસ્પિટલ અને એસવી આયુર્વેદ ફાર્મસીના ડૉ. જી. અસુન્થાનો સમાવેશ થાય છે, જેમને ટીટીડી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો
છેલ્લા કેટલાક વર્ષોમાં ટીટીડી એક્ટમાં ત્રણ વખત સુધારો કરવામાં આવ્યો છે. મંદિર બોર્ડ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓમાં ફક્ત હિન્દુઓની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, નિયમોનું પાલન ન કરવાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
તિરુપતિ વિશ્વનું સૌથી ધનિક મંદિર છે
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર છે. તે આંધ્ર પ્રદેશના શેષાચલમ પર્વત પર આવેલું છે. આ મંદિર અંગે 2024માં એક અહેવાલ બહાર આવ્યો હતો કે મંદિર ટ્રસ્ટે ફક્ત 2024માં 1161 કરોડ રૂપિયાની FD કરી હતી. આ સાથે તે અત્યાર સુધીની FDની સૌથી વધુ રકમ છે. એકંદરે ટ્રસ્ટ પાસે બેંકોમાં FDમાં કુલ 13287 કરોડ રૂપિયા છે. મંદિર લગભગ દર વર્ષે બેંકમાં 500 કરોડ રૂપિયાથી વધુ જમા કરાવે છે. આ મંદિર રાજા તોંડમાન દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 11મી સદીમાં રામાનુજાચાર્ય દ્વારા કરાયું હતું.