ચાઇનીઝ એપ પરનો પ્રતિબંધ હટાવવાનો દાવો ખોટો, ભારત સરકારે TikTokને અનબ્લોક કરવાનો કોઇ આદેશ નથી આપ્યો
Tiktok News: સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દ્વારા દાવો કરાઇ રહ્યો છે કે ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો છે, જો કે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે ટિકટોકને અનબ્લોક કરવાનો કોઇ આદેશ જાહેર નથી કર્યો. એવું કોઇ પણ નિવેદન કે સમાચાર ખોટા છે.
શું દાવો કરાઇ રહ્યો છે?
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાઇનીઝ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTokની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરીથી લોન્ચ કરવામાં આવી છે. જોકે આ એપ્લિકેશન હજુ પણ ઉપલબ્ધ નથી. હકીકતમાં, 2020માં ભારત સરકારે સુરક્ષા કારણોસર TikTok સહિત ઘણી ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો.
બિઝનેસ ટુડેના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ઘણા વપરાશકર્તાઓ TikTokની વેબસાઇટ ઍક્સેસ કરી શકે છે, પરંતુ આ એપ્લિકેશન Google Play Store અને Apple App Store પર દેખાતી નથી. TikTok કે તેની પેરેન્ટ કંપની Bytedance એ એપના ભારતમાં પાછા ફરવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
તમને જણાવી દઈએ કે, જૂન 2020માં જ્યારે ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારે 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. આ યાદીમાં TikTok, ShareIt, UC બ્રાઉઝર, UC News અને ઘણી લોકપ્રિય એપ્લિકેશનો સામેલ હતી. આ પ્રતિબંધ માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 ની કલમ 69A હેઠળ લાદવામાં આવ્યો હતો.