Get The App

મધ્યપ્રદેશની 3 વર્ષની વિયાના જૈને સૌથી નાની વયે સંથારો લીધો, ટર્મિનલ બ્રેઇન ટ્યુમરથી હતી પીડિત

Updated: May 3rd, 2025

GS TEAM

Google News
Google News
મધ્યપ્રદેશની 3 વર્ષની વિયાના જૈને સૌથી નાની વયે સંથારો લીધો, ટર્મિનલ બ્રેઇન ટ્યુમરથી હતી પીડિત 1 - image


Indore News : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક બાળકી વિયાના જૈને માત્ર ત્રણ વર્ષની વયે સંથારો લીધો હતો. સંથારો લીધાની થોડીક જ મિનિટોમાં બાળકીનું નિધન થયું હતું. જૈન સમાજ અને તેના પરિવારની હાજરીમાં ત્રણ વર્ષ ચાર મહિના અને એક દિવસની વયે વિયાના જૈને 21 માર્ચે સંથારો લીધો હતો.

વિયાના જૈનને ડિસેમ્બર 2024માં ટર્મિનલ બ્રેઈન ટયુમર થયું હોવાનું નિદાન થયું હતું. વિયાનાએ આ વર્ષના પ્રારંભમાં મુંબઈમાં સર્જરી કરાવી હતી. ત્યાર બાદ રિકવરીના પ્રારંભિક સંકેતો મળવા છતાં માર્ચમાં ફરીથી તેનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. વિયાના માતા-પિતા વર્ષા અને પિયુષ જૈને જણાવ્યું કે, તેમના પરિવારના ગુરુ રાજેશ મુનિ મહારાજ સાથે ચર્ચા કર્યા પછી તેમણે વિયાના સંથારો લે તેવો નિર્ણય કર્યો હતો. જૈન ધર્મમાં અન્ન-જળનો ત્યાગ કરીને નવકાર મંત્રનું સ્મરણ કરતાં સ્વૈચ્છિક રીતે જીવનનો અંત લાવવાની ધાર્મિક ક્રિયાને સંથારો કહે છે.

આ ધાર્મિક ક્રિયાને આત્મહત્યા નહીં પરંતુ સ્વ-શુદ્ધિકરણના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. પિયુષ જૈને જણાવ્યું હતું કે, તેમના ગુરુ રાજેશ મુનિ મહારાજે વિયાનાની સ્થિતિ જોઈ હતી અને કહ્યું કે સંથારો લીધા પછી તેનું એક રાત માટે પણ જીવવું મુશ્કેલ બનશે. આથી ભાવનાત્મક રીતે ભાંગી ગયેલા પરિવારે પુત્રીના સંથારાનો નિર્ણય કર્યો હતો. આ સાથે તેમણે આધ્યાત્મિક પરિપૂર્ણતાની લાગણી સાથે એકમાત્ર સંતાનને ગુમાવવાની પીડા પણ સહન કરી હતી તેમ માતા વર્ષાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, પુત્રી વિયાનાએ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે સંથારો લીધાની ૧૦ મિનિટમાં જ તેનું નિધન થયું હતું.

Tags :