રાહુલની વોટર અધિકાર યાત્રા વચ્ચે બિહારમાં 3 આતંકી ઘૂસ્યાનો દાવો, પોલીસે શેર કરી તસવીર
Jaish-E-Mohammed Terrerists: રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા વચ્ચે બિહારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી ઘૂસ્યા હોવાના અહેવાલ છે. બિહાર પોલીસ હેડક્વાર્ટરે નેપાળ મારફત બિહારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી ઘૂસ્યા હોવાનું જણાવ્યું છે. જેના લીધે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મોટા હુમલાનું ષડયંત્ર
બિહાર હેડક્વાર્ટરે જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી હસનૈન અલી, આદિલ હુસૈન, મોહમ્મદ ઉસ્માન નેપાળના માર્ગેથી બિહારમાં ઘૂસ્યા છે. તેઓ મોટો હુમલો કરવાનો ઈરાદો ધરાવતા હોવાની આશંકા છે. રાજ્યમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા સરહદો પર સ્પેશિયલ વિજિલન્સ પણ ગોઠવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ વિરારમાં ચાર માળની બિલ્ડિંગનો હિસ્સો ધરાશાયી થતાં 14ના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્
આતંકીના સ્કેચ જાહેર કર્યા
જૈશ-એ-મોહમ્મદના આ ત્રણ આતંકવાદીના સ્કેચ જાહેર કર્યા છે. રિપોર્ટ અનુસાર, હસનૈન અલી રાવલપીંડીનો રહેવાસી છે. જ્યારે આદિલ હુસૈન ઉમરકોટ અને મોહમ્મદ ઉસ્માન બહવલપુરના રહેવાસી છે. ત્રણ આતંકીના પાસપોર્ટ સંબંધિત માહિતી પણ રજૂ કરવામાં આવી છે. આ આતંકીઓ ઓગસ્ટના બીજા સપ્તાહમાં કાઠમાંડુ પહોંચ્યા હતા. બાદમાં ત્રીજા સપ્તાહે નેપાળ સરહદ પરથી બિહારમાં ઘૂસ્યા હતા.
બિહાર ચૂંટણી પહેલાં આતંકી ગતિવિધિઓ
બિહારમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવાનું ષડયંત્ર હોવાની આશંકા છે. બિહારના ભાગલપુર આસપાસના જિલ્લા અરરિયા, કિશનગંજ, અને સુપૌલ નેપાળની સરહદ પર સ્થિત છે. મઘુબની, સીતામઢી, પૂર્વીય ચંપારણ અને પશ્ચિમ ચંપારણ પણ સરહદ પર સ્થિત જિલ્લા છે. આ જિલ્લાઓમાં હાઈ એલર્ટ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.