બીજાની તપાસ કરનારાઓની પણ તપાસ થાય, સુપ્રીમે CBIના પૂર્વ ઓફિસર સામેની FIR યથાવત્ રાખી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SC Upholds Order of FIR against Former CBI Officer: દિલ્હી હાઈકોર્ટ દ્વારા વર્ષ 2000ના એક કેસમાં CBIના તત્કાલીન જોઈન્ટ ડાયરેક્ટર નીરજ કુમાર અને ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર પાંડેય સામે FIR નોંધવાના આદેશને સુપ્રીમ કોર્ટે બહાલ રાખ્યો. કોર્ટે જણાવ્યું કે 'લોકોનો વ્યવસ્થા પરનો વિશ્વાસ જાળવી રાખવા માટે, તપાસ કરનારાઓની પણ તપાસ થવી જોઈએ.'
અધિકારીઓની મિલીભગત: તપાસનો વિષય
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ પી. બી. વરાલેની બેન્ચે જણાવ્યું કે, હાઈકોર્ટના 26 જૂન, 2006ના આદેશથી સ્પષ્ટ થાય છે કે બંને અધિકારીઓએ પોતાની ફરજોના પાલનમાં ગેરરીતિ આચરી છે, જેના કારણે તેઓ પ્રાથમિક દૃષ્ટિએ ગુનેગાર ઠરે છે. બેન્ચે વધુમાં કહ્યું કે, ફરિયાદો અને અરજીઓ પરથી એ સ્પષ્ટ છે કે બંને અધિકારીઓ મિલીભગતથી કામ કરી રહ્યા હતા. જોકે, શું વિનોદ કુમાર પાંડેયે નીરજ કુમારના કહેવા પર કામ કર્યું હતું કે પછી બંનેએ સાથે મળીને, તે તપાસનો વિષય છે.
આરોપ શું હતા?
ફરિયાદી વિજય અગ્રવાલ અને તેમના ભાઈએ આરોપ મૂક્યો હતો કે અધિકારીઓએ તેમને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી હતી. આ ઉપરાંત, શીશ રામ સૈનીએ પણ દસ્તાવેજોની જપ્તી દરમિયાન પ્રક્રિયાગત અનિયમિતતા, ધમકી અને સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નીરજ કુમાર 2013માં નિવૃત્ત થયા બાદ દિલ્હી પોલીસના કમિશનર પણ બન્યા હતા.
હાઈકોર્ટે નોંધ્યું કે ધમકી અને ગાળાગાળી જેવા આરોપો ગંભીર છે અને તે ખોટા લાગતા નથી. જોકે, CBIની પ્રાથમિક તપાસમાં આ આરોપો સાબિત થયા નહોતા. તેમ છતાં, હાઈકોર્ટે સ્પષ્ટતા કરી કે આટલી ગંભીર ફરિયાદોને ફક્ત પ્રાથમિક તપાસના આધારે રદ કરી શકાય નહીં.
આ પણ વાંચો: દેશભરમાં ઓક્ટોબરથી મતદારોનું વેરિફિકેશન શરૂ થવાની શક્યતા, અધિકારીઓને ECIનો નિર્દેશ!
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, 'જો કોર્ટને સંતોષ થાય કે ગુનાહિત કૃત્યનો કેસ બને છે, તો તેના આદેશમાં દખલ કરવાનો કોઈ કારણ નથી. ન્યાય માત્ર થવો જ ન જોઈએ, પરંતુ થતો દેખાવો પણ જોઈએ. આ જ કાયદાનો મૂળ સિદ્ધાંત છે.' કોર્ટે વધુમાં કહ્યું કે, 'આ ગુનો વર્ષ 2000માં થયો હતો અને અત્યાર સુધી તેની તપાસ શરૂ થઈ નથી, જે ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે.'
હાઈકોર્ટે તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'તપાસ દિલ્હી પોલીસ જ કરશે, પરંતુ આ કામ ACPથી ઉપરના રેન્કના અધિકારીને સોંપવામાં આવશે.'








