India

પંજાબમાં AAPને મોટો ઝટકો, 24 કલાકમાં 3 ધારાસભ્યના રાજીનામા, ભાજપમાં જોડાઇ ગયા

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
પંજાબમાં AAP ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અમૃતસર નોર્થના ધારાસભ્ય અને પૂર્વ IPS કુંવર વિજય પ્રતાપ સિંહે વિધાનસભા સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. 24 કલાકમાં આ AAP નો ત્રીજો મોટો ફટકો છે. સૂત્રો અનુસાર, તેઓ ભાજપમાં જોડાશે. તેમણે પોતાની જ સરકાર સામે લાંબા સમયથી અવાજ ઉઠાવ્યો હતો. આ ઘટનાથી પંજાબનું રાજકારણ ગરમાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંજાબમાં AAPને મોટો ઝટકો, 24 કલાકમાં 3 ધારાસભ્યના રાજીનામા, ભાજપમાં જોડાઇ ગયા

Punjab AAP News : પંજાબના રાજકારણમાં આમ આદમી પાર્ટી (AAP) માટે સંકટના વાદળો વધુ ઘેરા બન્યા છે. પાર્ટીમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે AAP ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. અમૃતસર નોર્થના ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ (IPS) અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે પંજાબ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાં મોકલી આપ્યું છે.

રવિવારે જ સમાના બેઠકના ધારાસભ્ય ચેતન સિંહ જોડામાજરા અને સનોર બેઠકના ધારાસભ્ય હરમીત સિંહ પઠાનમાજરાએ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ, કુંવર વિજય પ્રતાપ સિંહનું રાજીનામું એ 24 કલાકમાં AAP ને લાગેલો ત્રીજો મોટો ઝટકો છે. આ ત્રણેય નેતાઓ પછીથી ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.

image.png

સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત

કુંવર વિજય પ્રતાપ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોતાના રાજીનામાના પત્રની નકલ શેર કરતા લખ્યું હતું કે, "મેં પંજાબ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે." અધ્યક્ષને મોકલેલા પત્રમાં તેમણે 1 નવેમ્બર, 2026 થી જ પોતાનું રાજીનામું અમલી ગણવાની રજૂઆત કરી છે.

માન સરકાર સામે લાંબા સમયથી ઉઠાવતા હતા અવાજ

ઉલ્લેખનીય છે કે, કુંવર વિજય પ્રતાપ સિંહને ગયા વર્ષે જૂન મહિનામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર AAP માંથી 5 વર્ષ માટે નિલંબિત કરવામાં આવ્યા હતા.

બિક્રમ મજીઠિયા કેસ: તેમણે શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા સામે પંજાબ વિજિલન્સ બ્યુરોની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા.

બેઅદબી કેસમાં નારાજગી: 2015ના બેઅદબી અને પોલીસ ફાયરિંગ કેસની તપાસ કરનાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના સભ્ય રહી ચૂકેલા કુંવર વિજય પ્રતાપે ન્યાય મળવામાં થઈ રહેલા વિલંબ અંગે ભગવંત માન સરકારની જાહેરમાં ભારે ટીકા કરી હતી.

ઝેરી દારૂનો મુદ્દો: અમૃતસરમાં ઝેરી દારૂના કારણે 20થી વધુ લોકોના મોત બાદ પણ તેમણે પોતાની જ સરકારની કાર્યશૈલી સામે મોરચો ખોલ્યો હતો.

2021માં IPS ની નોકરી છોડી રાજકારણમાં આવ્યા હતા

કુંવર વિજય પ્રતાપ સિંહે 2021માં પોલીસ સેવામાંથી વીઆરએસ (VRS) લઈને આમ આદમી પાર્ટીનો હાથ ઝાલ્યો હતો. ત્યારબાદ 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેઓ અમૃતસર નોર્થ બેઠક પરથી જંગી મતોથી વિજેતા બન્યા હતા. હવે તેમના રાજીનામા બાદ અને ભાજપમાં જોડાવાની ચર્ચાઓથી પંજાબનું રાજકારણ ગરમાયું છે.