'મહાવતાર નરસિમ્હા' ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બે બાળક સહિત 3ને ઈજા
Mahavatar Narsimha: આસામના ગુવાહાટીમાં રવિવારે (3 ઓગસ્ટ) ફિલ્મ 'મહાવતાર નરસિમ્હા'ના સ્ક્રીનિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી, અહીં એક PVR સિનેમા થિયેટરમાં અચાનક છત ધરાશાયી થતા ઘટના સ્થળે 2 બાળકો સહિત ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વીડિયો વાઇરલ થયા પછી થિયેટર તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું.
દર્શકોનો થિયેટર માલિક સાથે થયો ઝગડો
જાણકારી મુજબ દર્શકો પૌરાણિક ફિલ્મ 'મહાવતાર નરસિમ્હા' જોઈ રહ્યા હતા. બધાની નજર સિલ્વર સ્ક્રીન તરફ હતી, તે દરમિયાન છતનો સ્લેબ ધરાશાયી થતાં દર્શકો પર કાટમાળ પડ્યો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા પછી થિયેટરની ખુરશીઓ પાસે કાટમાળ જોવા મળી રહ્યો છે. દર્શકોએ થિયેટરના માલિક સાથે ઝઘડો પણ કર્યો. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. થિયેટરના સંચાલકોએ હજી સુધી છત ધરાશાયી બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
100 કરોડની ક્લબમાં સામેલ થનારી ફિલ્મ છે
ફિલ્મ 'મહાવતાર નરસિમ્હા'ના કલેક્શનની વાત કરીએ તો બોલિવૂડની હીટ ફિલ્મ 'સૈયારા'ની સામે જ આ ફિલ્મ પણ 100 કરોડમાં સામેલ થવા જઈ રહી છે. રવિવારે આ ફિલ્મે 23.4 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અત્યાર સુધી આ ફિલ્મે 91.65 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.