જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટ્યું હતું કે ગ્લેશિયર તૂટી પડ્યું હતું? વિજ્ઞાનીઓ મૂંઝવણમાં
Mystery of the Flash Flood in Kishtwar: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચશોતી ગામમાં 14 ઑગસ્ટ 2025ના રોજ અચાનક આવેલા પૂરથી ભારે તબાહી મચી ગઈ. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા અને સેંકડો લોકો ગુમ છે. પરંતુ આ પૂર આવ્યું કેવી રીતે? શું તેનું કારણ વાદળ ફાટવું હતું કે બીજું કંઈ? ચશોતીમાં હવામાન નિરીક્ષણ કેન્દ્ર ન હોવાથી સાચી માહિતી મેળવવી મુશ્કેલ બની રહી છે.
ચશોતીમાં શું થયું?
14 ઑગસ્ટ 2025ના રોજ ચશોતી ગામમાં સવારે લગભગ 11:30 વાગ્યે એક મોટી ઘટના બની. આ ગામ મચૈલ માતા યાત્રાના માર્ગ પર છે, તે દિવસે હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. અચાનક આવેલા પૂરથી ઘરો, દુકાનો અને એક લંગર તણાઈ ગયા. જેમાં 60થી વધુ લોકો મૃત્યુ પામ્યા, 300થી વધુ ઘાયલ થયા અને 200થી વધુ લોકો ગુમ છે. હવામાન વિભાગના આંકડા મુજબ કિશ્તવાડમાં 14 ઑગસ્ટે બિલકુલ વરસાદ થયો નહોતો અને 15 ઑગસ્ટે માત્ર 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો? તો સવાલ એ છે કે તો આ આ પૂર આવ્યું કેવી રીતે?
હિમાલયના વિસ્તારોમાં હવામાન નિરીક્ષણનો અભાવ
એક રિપોર્ટ મુજબ, ચશોતીમાં કોઈ હવામાન નિરીક્ષણ કેન્દ્ર (વેધર સ્ટેશન) નથી, તેથી ઘટના દરમિયાન ત્યાં કેટલો વરસાદ થયો, તેનો કોઈ ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, શ્રીનગરના નિર્દેશક મુખ્તિયાર અહેમદના જણાવ્યા અનુસાર, સેટેલાઇટ અને ડોપ્લર રડારથી જાણવા મળ્યું છે કે ચશોતીમાં ભારે વરસાદ થયો. તેમજ ચશોતીનો ઉપરનો વિસ્તાર લદાખના ઝંસ્કાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે, જ્યાં ગ્લેશિયર અથવા ગ્લેશિયરથી બનેલા તળાવના તૂટવાની શક્યતા છે, તે પણ પૂરનું કારણ હોઈ શકે છે.
જોકે વૈજ્ઞાનિકો વચ્ચે આ બાબત પર મતભેદ છે કે ચશોતીમાં પૂરનું સાચું કારણ શું હતું. કેટલાક નિષ્ણાતો વાદળ ફાટવાને જવાબદાર માને છે, જ્યારે અન્ય ગ્લેશિયર તળાવના ફાટવાની શક્યતા હોવાનું કહી રહ્યા છે.
હિમાલયના વિસ્તારોમાં હવામાન નિરીક્ષણનો અભાવ એક મોટી સમસ્યા છે. ચશોતીથી 4 કિલોમીટર દૂર પહલગામમાં પણ વધુ વરસાદ થયો નહોતો, જે આ શંકાને વધારે છે. સેટેલાઇટ અને ડોપ્લર રડાર ભારે વરસાદની જાણ કરી શકે છે, પરંતુ ચોક્કસ સ્થાન અને સમય જણાવવું મુશ્કેલ છે.