વાહનમાં ડ્રગ્સ કે દારૂ હોય તો પણ વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે, થર્ડ પાર્ટી વીમા અંગે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gauhati High Court Orders Insurer To Pay And Recover In Ganja Truck Accident Case: ગુવાહાટી હાઈકોર્ટે મોટર અકસ્માત વળતરના એક અત્યંત મહત્ત્વપૂર્ણ કેસ (The Oriental Insurance Company Ltd. v. Shabanu Biwi & 7 Others)માં ઐતિહાસિક ચુકાદો આપતાં ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે અકસ્માત સર્જનાર ટ્રકમાં ગેરકાયદેસર રીતે ગાંજો લઈ જવામાં આવતો હોવા છતાં, વીમા કંપનીએ પહેલાં મૃતકના પરિવારને વળતર ચૂકવવું પડશે. જોકે, કોર્ટે વીમા કંપનીને એવી છૂટ પણ આપી છે કે તે વળતરની આ રકમ પાછળથી અકસ્માત સર્જનાર ટ્રકના માલિક પાસેથી કાયદેસર રીતે વસૂલ કરી શકે છે.
આ સાથે જ જસ્ટિસ કરદક એટેએ સુપ્રીમ કોર્ટના નિર્ધારિત સિદ્ધાંતો અનુસાર વળતરની રકમની પુનઃગણતરી કરીને મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT) દ્વારા મંજૂર કરાયેલા ₹10.52 લાખના વળતરને ઘટાડીને ₹9,77,200 કર્યું છે.
શું હતો સમગ્ર મામલો?
આ દુઃખદ અકસ્માત 9 જૂન 2011ના રોજ બન્યો હતો, જ્યારે આશરે 22 વર્ષીય રાહુલ અલી પોતાનું Tata DI વાહન ચલાવીને નાગાંવથી સામાગુરી તરફ જઈ રહ્યો હતો. દાવેદારોના જણાવ્યા અનુસાર, રાહુલ અલી બોરાલીગાંવ ખાતે થોડીવાર માટે પોતાનું વાહન ઊભું રાખીને રોકાયો હતો, ત્યારે સામેની દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે તેના વાહનને જોરદાર ટક્કર મારી હતી, જેમાં રાહુલ અલીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ત્યારબાદ મૃતકના પરિવારે મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 166 હેઠળ વળતરનો દાવો દાખલ કર્યો હતો. ટ્રિબ્યુનલે (MACT) અરજી દાખલ કર્યાની તારીખથી વાર્ષિક 6% વ્યાજ સાથે ₹10.52 લાખનું વળતર મંજૂર કરીને ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીને તે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
'વીમા કંપની અને માલિક વચ્ચેના વિવાદથી ત્રાહિત પક્ષકારોને નુકસાન ન થવું જોઈએ': હાઈકોર્ટ
વીમા કંપનીએ ટ્રિબ્યુનલના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારતાં દલીલ કરી હતી કે અકસ્માત સમયે ટ્રકમાં ગાંજો લઈ જવામાં આવી રહ્યો હતો, જે વીમા પોલિસીની શરતોનો સીધો ભંગ છે, તેથી કંપની વળતર ચૂકવવા બંધાયેલી નથી. હાઈકોર્ટે પોલીસની જનરલ ડાયરીની એન્ટ્રીઓ અને સાક્ષીઓની જુબાની તપાસ્યા બાદ સ્વીકાર્યું કે ટ્રક માલિક દ્વારા પોલિસીની શરતોનું ઉલ્લંઘન થયું છે, પરંતુ અકસ્માત સમયે વાહનનો વીમો ચાલુ હોવા અંગે કોઈ વિવાદ નહોતો. આ મુદ્દે હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં કહ્યું:
"વીમા કંપની અને વીમો ઉતરાવનાર (વાહન માલિક) વચ્ચેના વિવાદને કારણે ત્રાહિત પક્ષકાર દાવેદારોના હિતોને કોઈ નુકસાન પહોંચવું જોઈએ નહીં. અપીલકર્તા વીમા કંપનીએ પહેલાં દાવેદારોને ચૂકવવાપાત્ર સંપૂર્ણ વળતર ચૂકવવું પડશે અને ત્યારબાદ તે અકસ્માત સર્જનાર વાહનના માલિક (પ્રતિવાદી નંબર 6) પાસેથી તે રકમ વસૂલવા માટે સ્વતંત્ર રહેશે."
મૃતકની બેદરકારીની દલીલ ફગાવી: કોર્ટે વીમા કંપનીની એ દલીલ પણ ફગાવી દીધી હતી કે અકસ્માતમાં રાહુલ અલીની પણ બેદરકારી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ નક્કર પુરાવા વિના માત્ર બે વાહનો વચ્ચે ટક્કર થઈ હોવાના આધારે મૃતકની બેદરકારી સાબિત થઈ શકતી નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર: હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના જાણીતા ચુકાદા Oriental Insurance Co. Ltd. v. Nanjappanનો આધાર લઈને 'Pay and Recover' (પહેલાં ચૂકવો અને પછી વસૂલો)ના સિદ્ધાંતને માન્ય રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના 'પ્રણય સેઠી' ચુકાદા મુજબ વળતરની નવી ગણતરી
ગુવાહાટી હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના બંધારણીય બેન્ચના ચુકાદા National Insurance Company Ltd. v. Pranay Sethiના માપદંડો મુજબ વળતરની રકમની ફરીથી ગણતરી કરી હતી:
● માસિક આવક અને ભવિષ્યની સંભાવના: મૃતકની માસિક આવક ₹6,000 આંકવામાં આવી હતી. તેની ઉંમર 40 વર્ષથી ઓછી હોવાથી તેમાં 40% 'ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ' ઉમેરતા કુલ માસિક આવક ₹8,400 ગણવામાં આવી.
● નિર્ભરતાનું નુકસાન: અંગત ખર્ચ પેટે 50% રકમ બાદ કર્યા બાદ અને 18નો ગુણાંક લાગુ કરતાં નિર્ભરતાનું કુલ નુકસાન ₹9,07,200 નક્કી થયું.
● અન્ય ખર્ચાઓ અને કુલ વળતર: આ ઉપરાંત કોર્ટે અંતિમ સંસ્કાર ખર્ચ પેટે ₹15,000, એસ્ટેટના નુકસાન પેટે ₹15,000 અને કન્સોર્ટિયમના નુકસાન પેટે ₹40,000 મંજૂર કર્યા. આમ, કુલ સુધારેલું વળતર ₹9,77,200 નક્કી કરવામાં આવ્યું.
ચુકાદાનો અમલ કરવા 4 અઠવાડિયાની મહેતલ
- હાઈકોર્ટે ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે તે અરજી દાખલ થયાની તારીખથી વાર્ષિક 6% વ્યાજ સાથે ₹9,77,200નું વળતર ચૂકવે.
- વીમા કંપનીએ સુધારેલા વળતરની બાકી રહેતી 50% રકમ અને તેના પરનું પ્રમાણસર વ્યાજ 4 અઠવાડિયાની અંદર જમા કરાવવાનું રહેશે, જ્યારે અગાઉથી જમા કરાયેલી રકમ યોગ્ય ખરાઈ કર્યા બાદ મૃતકના પરિવારજનોને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.




