| (IMAGE - IANS) |
Indore Water Contamination Deaths: જે ઇન્દોર શહેરને ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણાં વર્ષોથી સતત 'દેશના સૌથી સ્વચ્છ શહેર'નો ઍવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે, એવામાં હવે ત્યાં જ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઇન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું. આ જળ પ્રદૂષણ સંકટે અત્યાર સુધીમાં 7 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે.
સ્વચ્છતાના દાવાઓ વચ્ચે ગંભીર બેદરકારી
તપાસમાં બહાર આવ્યું છે કે એક પોલીસ ચોકી પાસે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનની બરાબર ઉપર સેફટી ટેન્ક વગરનું શૌચાલય બનાવી દેવામાં આવ્યું હતું. આ બેદરકારીના કારણે ગટરનું ગંદુ પાણી પાઇપલાઇનના લીકેજ વાટે પીવાના શુદ્ધ પાણીમાં ભળ્યું અને આખરે તે લોકોના ઘર સુધી પહોંચ્યું.
મોતનો આંકડો અને હૉસ્પિટલોની સ્થિતિ
મેયર પુષ્યમિત્ર ભાર્ગવે આ ઘટનામાં 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે આરોગ્ય વિભાગ હાલમાં 3 સત્તાવાર મોત ગણાવી રહ્યું છે. અત્યાર સુધીમાં 149થી વધુ લોકો ગંભીર ઝાડા-ઊલટીના કારણે હૉસ્પિટલમાં દાખલ થયા છે, જેમાંથી 116 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
તંત્ર દ્વારા કડક કાર્યવાહી
ઇન્દોરની સ્વચ્છ શહેર તરીકેની પ્રતિષ્ઠિત છબીને આ ઘટનાથી મોટો ધક્કો લાગ્યો છે, જેને પગલે સ્થાનિક તંત્ર હવે સફાળું જાગીને એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા આ ગંભીર બેદરકારી બદલ જવાબદારી નક્કી કરી કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે, જેમાં વોટર સપ્લાય વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફરજમાં નિષ્કાળજી બદલ સબ-એન્જિનિયરને પણ તેમની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયામાં યોગ્ય સંકલન જાળવવામાં નિષ્ફળ રહેલા ઝોનલ ઑફિસર વિરુદ્ધ પણ સસ્પેન્શનની આકરી કાર્યવાહી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર ભૂલનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચો: દેશની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027થી દોડશે, સુરતથી બીલીમોરાના રૂટથી થશે શરૂઆત
પીડિત પરિવારોનો રોષ
પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો ભારે આક્રોશમાં છે. 29 વર્ષીય ઉમા કોરીના પતિ બિહારીએ કહ્યું, 'મારા નાના બાળકો હવે તેમની માને શોધી રહ્યા છે. શું આ જ સ્વચ્છ શહેરની વ્યાખ્યા છે? કોઈકની બેદરકારીએ મારો આખો પરિવાર વિખેરી નાખ્યો.' અન્ય લોકોએ પણ ફરિયાદ કરી હતી કે પાણી એક અઠવાડિયાથી કડવું અને ગંદુ આવી રહ્યું હતું, પરંતુ વારંવારની રજૂઆત છતાં કોઈએ ધ્યાન આપ્યું નહોતું.


