Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. લોકોને પ્રશ્ન છે કે આખરે ક્યારે દેશની બુલેટ ટ્રેન દોડશે? આખરે દેશવાસીઓને કેન્દ્ર સરકાર દ્વારા એક ખુશખબર આપવામાં આવી, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 15 ઑગસ્ટ 2027ના રોજ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. જેનો રુટ સુરતથી બીલીમોરા હશે.
5 ફેઝમાં બુલેટ ટ્રેન દોડશે, પ્રથમ તબક્કો સુરત અને બીલીમોરા વચ્ચે
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રથમ ફેઝમાં બુલેટ ટ્રેન 15 ઑગસ્ટ 2027ના રોજ પહેલા સુરતથી બીલીમોરા (નવસારી) વચ્ચે દોડશે, ત્યાર બાદ બીજા ફેઝમાં વાપીથી સુરત, ત્રીજામાં વાપીથી અમદાવાદ, ચોથા ફેઝમાં થાણેથી અમદાવાદ છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે શરુ થશે.
2 કલાક અને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ
બુલેટ ટ્રેન શરુ થતાં માત્ર 2 કલાક અને 7 મિનિટમાં અમદાવાદથી મુંબઈ જઈ શકાશે. બુલેટ ટ્રેનની મુખ્ય લાઇનની ગતિ ક્ષમતા 320 કિ.મી. પ્રતિ કલાક અને લૂપ લાઇનની 80 કિ.મી. પ્રતિ કલાકની રહેશે. બુલેટ ટ્રેનના ટ્રેકની નજીક કોઈપણ પ્રકારના વાઇબ્રેશનને કન્ટ્રોલ કરવા માટે અનેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં હવા કે અચાનક ભૂકંપની સ્થિતિમાં ટ્રેન સંપૂર્ણ રીતે સ્થિર રહે તે કેટલીક ખાસ પ્રકારની સુવિધા જોડવામાં આવી છે.
પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને 10,000 કરોડ રૂપિયા ચૂકવશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય 5,000 કરોડ રૂપિયા ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા લેવામાં આવશે. સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
મુંબઈ, અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રગતિ (12 ડિસેમ્બર 2025 મુજબ)
508 કિ.મીમાંથી 330 કિ.મી વાયડક્ટ અને 408 કિમી પિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે
17 રિવર બ્રેજ, 5 પીએસસી (પ્રીસ્ટ્રેસ્ડ કોંક્રિટ) અને 11 સ્ટીલ બ્રિજ, 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનો પ્રથમ 130 મીટર સ્પાન પૂર્ણ થયો છે
235 કિ.મીના પટ પર 4.7 લાખથી વધુ અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવ્યા છે
560 ટ્રેક કિમી (130 રૂટ કિમી) આરસી ટ્રેક બેડ બાંધકામ પૂર્ણ થયું
મુખ્ય લાઇન વાયડક્ટના આશરે 85 કિમી રૂટને આવરી લેતા લગભગ 3700 OHE માસ્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.
પાલઘર જિલ્લામાં 7 પર્વતીય ટનલ પર ખોદકામ ચાલુ છે
બીકેસી અને શિલ્ફાટા (મહારાષ્ટ્રમાં) વચ્ચેની 21 કિમી ટનલમાંથી 5 કિ.મી NATM ટનલ ખોદવામાં આવી છે
સુરત અને અમદાવાદમાં રોલિંગ સ્ટોક ડેપોનું બાંધકામ ચાલુ છે
ગુજરાતના તમામ સ્ટેશનો પર સુપરસ્ટ્રક્ચરનું કામ અંતિમ તબક્કામાં છે. ત્રણેય એલિવેટેડ સ્ટેશનો પર કામ શરુ થઈ ગયું છે અને મહારાષ્ટ્રમાં મુંબઈ ભૂગર્ભ સ્ટેશન પર બેઝ સ્લેબ કાસ્ટિંગ ચાલુ છે.



