ભણવા ગયેલો લાડકવાયો પાછો ન આવ્યો... હોમવર્ક માટે એવો ખખડાવ્યો કે માસૂમ બાળકે શિક્ષકના ખોળામાં દમ તોડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Visakhapatnam School Incident : વિશાખાપટ્ટનમની લિટલ ગાર્ડન સ્કૂલમાં LKG માં અભ્યાસ કરતા 6 વર્ષના માસૂમ છાત્ર પ્રણય તેજનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. પરિવારનો ગંભીર આક્ષેપ છે કે હોમવર્ક પૂરું ન કરવા પર શિક્ષકે બાળકને ખૂબ માર્યો અને ઠપકો આપ્યો હતો. આ ઘટના બાદ બાળક એટલી હદે ડરી ગયો કે તે રડવા લાગ્યો અને ત્યારબાદ તેને સતત ખાંસી આવવા લાગી. થોડી જ વારમાં માસૂમ છાત્ર શિક્ષક પર જ ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો હતો.
CCTV ફૂટેજમાં શિક્ષક ઠપકો આપતા જોવા મળ્યા
બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનું કહેવું છે કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ બાળકનું મોત થઈ ચૂક્યું હતું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ પોલીસના હાથ લાગ્યા છે. જેમાં શિક્ષક બાળકને ઠપકો આપતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. જોકે, બાળકના મોતના સાચા કારણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની ઊંડાણપૂર્વક તપાસ બાદ જ સામે આવશે.
પરિવારની કડક કાર્યવાહીની માંગ અને પોલીસ તપાસ
પરિવારજનોએ જણાવ્યું કે તેમનો બાળક હસતો-રમતો સ્કૂલે ગયો હતો પરંતુ જીવતો પાછો ન ફર્યો. પરિવારે આ મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તપાસ ટીમ CCTV ફૂટેજ, સ્કૂલમાં હાજર લોકોના નિવેદનો અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે સ્કૂલમાં ખરેખર શું થયું હતું જેનાથી બાળકની તબિયત અચાનક બગડી ગઈ.
જિલ્લા શિક્ષણાધિકારીનું નિવેદન
જિલ્લા શિક્ષણાધિકારી પ્રેમ કુમારે આ ઘટના અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, "લિટલ ગાર્ડન સ્કૂલમાં ગઈકાલે સાંજે એક અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના બની છે. શિક્ષકના કથિત માર બાદ એક વિદ્યાર્થીનું અચાનક મોત થયું છે. ફોન કૉલ મારફતે જાણ થતાં જ અમે તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલી હતી, પરંતુ ત્યાં સુધીમાં કમનસીબે છાત્રનું મોત થઈ ચૂક્યું હતું. અમે આ સમગ્ર મામલાનો વિસ્તૃત રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સોંપીશું. આ ઘટનામાં સામેલ શિક્ષક અને સ્કૂલ મેનેજમેન્ટ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે."









