Get The App

મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
Maharashtra News


Maharashtra News: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. થાણેની મુરબાદ તહેસીલમાં આવેલી એક સરકારી 'આશ્રમ' શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

હોસ્ટેલના રૂમમાં મળી લાશ

પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે મોરોશી ગામમાં આવેલી સરકારી આશ્રમ શાળાની હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થિનીની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. સવારે જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓએ તેને જોઈ ત્યારે ઘટનાની જાણ શાળા તંત્રને કરવામાં આવી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

શાળા વહીવટ સામે ગંભીર સવાલો

આ ઘટના બાદ શાળાના વહીવટ અને તેની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શાળામાં વિદ્યાર્થીઓ પર લાદવામાં આવતી અત્યંત કઠોર શિસ્ત વિશે તાજેતરમાં જ કેટલાક વાલીઓએ લેખિત અને મૌખિક ફરિયાદો કરી હતી, જે વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ વધારી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

શાળાની ગંભીર સ્થિતિનો પર્દાફાશ

આ જ શાળાની ગંભીર સ્થિતિ ત્યારે સામે આવી હતી જ્યારે થોડા દિવસો પહેલા આદિજાતિ વિકાસ મંત્રી અશોક ઉઈકે અહીંની મુલાકાત લીધી હતી. મંત્રીએ નિરીક્ષણ દરમિયાન શાળામાં પાયાની સુવિધાઓનો ધરખમ અભાવ જોતા વહીવટી તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આમ, સુવિધાઓની ઉણપ અને કડક શિસ્તના બોજ હેઠળ વિદ્યાર્થિનીના આપઘાતની આ ઘટનાએ તંત્રની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે.

આ પણ વાંચો: કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું - 'ઓકાતમાં રહો..'

પોલીસ તપાસ શરૂ

મુરબાદ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થિનીએ આ આત્યંતિક પગલું કેમ ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થિનીના સાથી મિત્રોની પૂછપરછ કરી રહી છે.

મહારાષ્ટ્રના થાણેમાં સરકારી શાળામાં 10મા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી 2 - image