Australia Attack News : ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે બોન્ડી બીચ પર રવિવારે થયેલા આતંકી હુમલામાં 16 યહુદીઓનો ભોગ લેનારા પિતા-પુત્ર આતંકીઓ પાકિસ્તાનના હોવાનો દાવો થયો હતો. જોકે, હવે કેટલાક મીડિયા રિપોર્ટમાં ઘટસ્ફોટ કરાયો છે કે આતંકી સાજિદ અકરમ ભારતીય હતો, જેને એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. વધુમાં સાજિદ અકરમે ભારતીય પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફિલિપાઈન્સનો પ્રવાસ કર્યો હતો. સાજિદ ભારતીય હોવાના મીડિયા રિપોર્ટને પુષ્ટી આપતા તેલંગણા પોલીસે કહ્યું કે, તે મૂળ હૈદરાબાદનો રહેવાસી હતો.
સિડનીના બોન્ડી બીચ પર રવિવારે હનુક્કા તહેવારની ઊજવણી કરી રહેલા યહુદીઓને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં 10 વર્ષની બાળકી અને 87 વર્ષના વૃદ્ધ સહિત કુલ 16 લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં હિટલરના હોલોકોસ્ટથી બચી ગયેલા 87 વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. જોકે, પાછળથી પોલીસ અથડામણમાં એક હુમલાખોર સાજિદ અકરમ માર્યો ગયો હતો જ્યારે તેના પુત્ર નાવિદ અકરમ ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ હુમલાની તપાસ કરતા તપાસકારોએ દાવો કર્યો છે કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સાજિદ અકરમે ગયા મહિને ભારતીસ પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફિલિપાઈન્સનો પ્રવાસ કર્યો હતો જ્યારે તેનો પુત્ર નાવિદ ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટથી ફિલિપાઈન્સ ગયો હતો. તેમણે ફિલિપાઈન્સના પ્રવાસમાં કટ્ટરવાદી ઈસ્લામિક મૌલવીઓની મુલાકાત કરી હતી અને ત્યાં જ તેણે મિલિટ્રી સ્ટાઈલના હુમલાની તાલિમ લીધી હતી કે કેમ તેની તપાસકારોએ તપાસ હાથ ધરી છે. દરમિયાન બીબીસી સહિત પશ્ચિમી મીડિયા જૂથોએ મનીલાના અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, સાજિદ અકરમે 1 થી 28 નવેમ્બર વચ્ચે ફિલિપાઈન્સનો પ્રવાસ કર્યો હતો. તેમણે ત્યાં મિલિટ્રી સ્ટાઈલમાં તાલિમ મેળવી હોવાના અહેવાલો છે. પશ્ચિમી મીડિયા મુજબ ફિલિપાઈન્સનો દક્ષિણ ભાગ કટ્ટરવાદી મૌલવીઓ અને ઈસ્લામિક આતંકી જૂથોનો ગઢ રહ્યો છે. ત્યાં અનેક સશસ્ત્ર ઈસ્લામિક સંગઠનોએ ઈસ્લામિક રાષ્ટ્ર પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી છે. તપાસકારો હવે એ તપાસ કરી રહ્યા છે કે સાજિદ અને નાવીદ કોઈ આંતરરાષ્ટ્રીય જેહાદી નેટવર્ક સાથે જોડાયેલા હતા કે કેમ?
દરમિયાન સાજિદ અકરમ ભારતીય હોવાના મીડિયા અહેવાલો પછી તેલંગણા પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, ૫૦ વર્ષીય સાજિદ અકરમ મૂળ હૈદરાબાદનો રહેવાસી ભારતીય નાગરિક હતો. તે નોકરીની શોધમાં ૨૭ વર્ષ પહેલાં નવેમ્બર ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયા ગયો હતો, પરંતુ ત્યાર પછી ભારતમાં તેના પરિવાર સાથે તેનો મર્યાદિત સંપર્ક હતો. તેણે ઓસ્ટ્રેલિયામાં કાયમી ધોરણે સ્થાયી થતા પહેલાં યુરોપીયન મૂળની મહિલા સાથે લગ્ન કર્યા હતા.
સાજિદ ત્યાર પછી માત્ર છ વખત મુખ્યત્વે મિલકત સંબંધિત અને પરિવારજનોને મળવા ભારત આવ્યો હતો. તેલંગણા પોલીસે કહ્યું કે, સાજિદની કટ્ટરવાદી વિચારસરણીને ભારત સાથે કોઈ સંબંધ નથી.
- આતંકી પાસેથી બંદૂક આંચકી લેનારા અહેમદ માટે 10 કરોડ એકત્ર કરાયા
સિડની: સિડનીના બોન્ડી બીચ પર આતંકી પિતા-પુત્ર યહૂદીઓ પર ગોળીબાર કરી રહ્યા હતા ત્યારે નાવીદ પર પાછળથી હુમલો કરીને તેની બંદૂક આંચકી લેવાનું સાહસિક કામ કરનારા અહમદ-અલ-અહમદ માટે 1.1 મિલિયન યુએસ ડોલર અંદાજે રૂ. 10 કરોડનું ભંડોળ એકત્ર કરાયું છે. અહમદ-અલ-અહમદ મૂળ સીરિયાનો નાગરિક છે. તે ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદે રહે છે. નિઃશસ્ત્ર અહમદે રવિવારે યહુદીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરનારા નાવિદ પર પાછળથી હુમલો કરી તેની બંદૂક આંચકી લીધી હતી, પરંતુ બીજા આતંકી સાજિદ ગોળી મારતા તેને ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહેમદની સારવાર માટે યહૂદી ઉદ્યોગપતિએ ગોફન્ડમી નામથી અભિયાન ચલાવ્યું હતું, જેમાં માત્ર બે દિવસમાં જ લોકોએ 1.1 મિલિયન ડોલર અંદાજે રૂ. 10 કરોડનું દાન કર્યું હતું.


