સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ, જયરામ રમેશે નામ લીધા વિના થરૂર પર સાધ્યું નિશાન
Jairam Ramesh On Delegation : કેન્દ્ર સરકારે પાકિસ્તાન વિરૂદ્ધમાં આતંકવાદને લઈને ભારતની સ્થિતિને વૈશ્વિક મંચ પર રાખવા માટે શશિ થરૂર સહિત 7 સાંસદોને ડેલિગેશનમાં સામિલ કર્યા છે. આ દરમિયાન સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ જોવા મળી રહી છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે નામ લીધા વિના પાર્ટીના સાંસદ શશિ થરૂર પર નિશાન સાધ્યું છે. જયરામ રમેશે કહ્યું કે, 'કોંગ્રેસમાં હોવું અને કોંગ્રેસનું હોવું બંનેમાં જમીન-આસમાનનો ફર્ક છે.'
જયરામ રમેશે કહ્યું કે, 'જ્યારે કોઈ સાંસદને સરકારના ડેલિગેશનમાં મોકલવામાં આવે છે, ત્યારે પાર્ટીની સહમતિ લેવી એક લોકતાંત્રિક પરંપરા છે.' તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારત સરકારે કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા વગર શશિ થરૂરનુ્ં નામ યાદીમાં સામેલ કર્યા છે. જયરામ રમેશે સ્પષ્ટ કર્યું કે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂની કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધી થયેલી વાતચીતમાં થરૂરનું નામ સામે આવ્યું ન હતું.
શશિ થરૂરની પ્રતિક્રિયા
જ્યારે સરકાર તરફથી મળેલી જવાબદારીનો સ્વીકાર કરતા શશિ થરૂરે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું હતું કે, 'સરકાર તરફથી મને 5 પ્રમુખ દેશોમાં જનારા ડેલિગેશનનું નેતૃત્ત્વ કરવા માટે આમંત્રણ મળ્યું છે. આ માટે હું સમ્માનિત મહેસુસ કરી રહ્યો છું. જ્યારે વાત રાષ્ટ્ર હિતની હોય અને મારી જરૂરત હોય તો હું પાછું નહી હટૂ...'
વિવાદનું મૂળ શું છે?
તમને જણાવી દઈએ કે, સંસદીય કાર્ય મંત્રાલયે આ ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા 7 સાંસદોની યાદી બહાર પાડી હતી. આમાં કોંગ્રેસના શશિ થરૂર, ભાજપના રવિશંકર પ્રસાદ, બૈજયંત પાંડા, જેડીયુના સંજય ઝા, ડીએમકેના કનિમોઈ, એનસીપી (એસપી)ના સુપ્રિયા સુલે અને શિવસેના (શિંદે જૂથ)ના શ્રીકાંત શિંદેનો સમાવેશ થાય છે. પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે, થરૂરના નામ અંગે તેમની સાથે કોઈ ચર્ચા થઈ નથી. સરકાર તરફથી ચાર નામોની માંગણી પર પાર્ટીએ પોતાના ચાર નામ મોકલ્યા છે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં.
જ્યારે ભાજપે કોંગ્રેસ પર નિશાનો સાધતા સવાલો કર્યા કે, શું કોંગ્રેસે શશિ થરૂરને એટલા માટે છોડી દીધા કારણ કે તેઓ પાર્ટી હાઇકમાન્ડ કરતાં વધુ ચમકી રહ્યા હતા? કિરેન રિજિજૂએ એક પોસ્ટમાં થરૂરના નામની યાદીમાં પુષ્ટિ કરી અને કહ્યું કે જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવે છે, ત્યારે ભારત એકતામાં રહે છે.