રસ્તામાં નડતરરૂપ મંદિર-મસ્જિદ કે ગુરુદ્વારા હટાવવા જ પડશે
- બુલડોઝર એક્શન સામેની અરજીઓની સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતનું મહત્ત્વનું અવલોકન
- ભારત એક સેક્યુલર દેશ, અમારો આદેશ તમામ ધર્મ કે સમુદાયના લોકો માટે સમાન રીતે લાગુ પડશે તેવુ અવલોકન
- અડચણ ઉભી કરતા ધાર્મિક કે અન્ય બાંધકામ હટાવવા મુદ્દે સુપ્રીમ ગાઇડલાઇન જાહેર કરી શકે છે, બુલડોઝર એક્શન પર રોક જારી, ચુકાદો અનામત
નવી દિલ્હી : બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે લોકોની સુરક્ષા સૌથી પહેલા છે અને રસ્તા પર કોઇ પણ ધાર્મિક બાંધકામ હોય તો તેને હટાવવું જરૂરી છે. ગુનાઇત કેસોમાં સામેલ લોકોની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવા સામે અનેક અરજીઓ સુપ્રીમમાં થઇ હતી જેની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કોર્ટે કરી હતી. સાથે જ કહ્યું હતું કે અવરોધક ધાર્મિક સ્થળો કે અન્ય કોઇ પણ બાંધકામને હટાવવાને લઇને અમે સમગ્ર દેશ માટે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોની સુરક્ષા મહત્વની છે, જો રોડ, જળ કે રેલવે માર્ગ વચ્ચે ક્યાંય પણ ધાર્મિક બાંધકામ આવતુ હોય અને તે અવરોધ ઉભા કરે તેમ હોય તો તેને હટાવવું જરૂરી છે. મંદિર હોય કે મસ્જિદ કે પછી દરગાહ જનતાની સુરક્ષામાં અવરોધક હોય તો તેને હટાવવું જ પડે. ભારત એક સેક્યુલર (બિનસાંપ્રદાયિક) દેશ છે અને બુલડોઝર એક્શન પર અમારો આદેશ તમામ નાગરિકોંને લાગુ પડશે પછી તે કોઇ પણ ધર્મના કેમ ના હોય.
સુપ્રીમના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, તેથી અમારો આદેશ તમામ માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ જો રોડ વચ્ચે ઉભા કરાયા હોય અને જનતા માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવા જ પડે. ગેરકાયદે બાંધકામો માટે એક કાયદો હોવો જોઇએ અને તે કોઇ ધર્મ પર નિર્ભર ના હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે ૧૭મી સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમારી મંજૂરી વગર દેશમાં એક પણ સ્થળ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે.
બુલડોઝર એક્શન સામે અનેક અરજીઓ થઇ છે અગાઉ સુપ્રીમે બુલડોઝર ન્યાય પર રોક લગાવી હતી, સુપ્રીમના આ આદેશને લઇને મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કોર્ટના આદેશની અજાણતા કોઇ ચોક્કસ સમાજ પર અસર થઇ શકે છે. જેનાથી એક ચર્ચાને વેગ મળશે. જે બાદ સુપ્રીમે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, અમારો આદેશ તમામ ધર્મ કે સમાજના લોકો માટે સમાન રીતે લાગુ પડશે. અમે સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ જાહેર સ્થળે અવરોધ ઉભા કરતા ધાર્મિક સ્થળોને હટાવવા સામે અમે કોઇ જ આદેશ નથી આપ્યો. રોડ વચ્ચે કોઇ પણ ધાર્મિક સ્થળ હોય તો તે લોકો માટે અવરોધ ઉભો કરનારા ના હોવા જોઇએ. અમે આવા અવરોધક બાંધકામોને હટાવવા માટે એક ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે આ સાથે જ બુલડોઝર એક્શન પર જે વચગાળાની રોક લગાવી હતી તેને યથાવત રાખીને ચુકાદાને અનામત રાખ્યો હતો.