લોકડાઉનમાં મહિલાનુ પરાક્રમ, પુત્રને પાછો લાવવા 1400 કિમી સ્કૂટી ચલાવ્યુ
હૈદરાબાદ, તા.10 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોના વાયરસના પગલે દેશવ્યાપી લોકડાઉન વચ્ચે પણ તેલંગાણાની એક મહિલાએ પોતાના પુત્રને ઘરે લાવવા માટે 1400 કિમી સ્કૂટી ચલાવવાનુ પરાક્રમ કર્યુ હતુ.
હવે આ કિસ્સો જ્યારે બહાર આવ્યો છે ત્યારે લોકો લોકડાઉનની અસરકારકતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે તેલંગાણાના નિઝામાબાદની રહેવાસી મહિલા રઝિયા બેગમ આંધપ્રદેશના નેલ્લોરમાં ફસાયેલા પોતાના પુત્રને પાછા લાવવા સ્કૂટી લઈને નીકળી પડી હતી. બંને શહેરો વચ્ચે 700 કિમીનુ અંતર છે.
સોમવારે નીકળેલી રઝિયા બેગમ પુત્રને લઈને બુધવારે પાછી ફરી હતી.આ દરમિયાન તેણે 1400 કિમીનુ અંતર કાપ્યુ હતુ.
જોકે સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સ એવો સવાલ પણ પૂછી રહ્યા છે કે, ઘણા એવા માતા પિતા છે જેમને બીજા શહેરોમાં ફસાઈ ગયેલા પોતાન સંસતાનોની ચિંતા છે. તો શું તેમને પાછા લાવવા માટે પોલીસ પરવાનગી આપશે એવી તો કેવી ઈમરજન્સી હતી કે, મહિલાને પોલીસે આટલી મુસાફરી કરવા માટે મંજૂરી આપી
મહિલાનુ કહેવુ છે કે, મારો પુત્ર નિઝામુદ્દીન તેના મિત્રને છોડવા નેલ્લોર ગયો હતો અને ત્યાં ફસાઈ ગયો હતો.પોલીસને મેં વાત કરતા તેમણે મને મુસાફરી કરવા પરવાનગી આપી હતી.