VIDEO: 'હાથ જોડીને માફી માંગુ છું...', મહાત્મા ગાંધીના પ્રપૌત્રના અપમાન મુદ્દે આવું કેમ બોલ્યા તેજસ્વી યાદવ
Tejashwi Yadav Statement on Insulting Tushar Gandhi: બિહારમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી સાથે થયેલા અપમાન મુદ્દે વિપક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે શાસક એનડીએ સરકારની ટીકા કરી છે. તેજસ્વીએ એક વીડિયો જાહેર કરીને બિહારની જનતાની તરફથી તુષાર ગાંધીની માફી માંગી અને આ મામલાને ગાંધીવાદી વિચારધારાનું અપમાન ગણાવ્યો હતો.
તુષાર ગાંધી સાથે વ્યક્તિએ કરી ઉગ્ર દલીલ
મહાત્મા ગાંધીના પહેલા સત્યાગ્રહની ઐતિહાસિક ભૂમિ અને પૂર્વીય ચંપારણના તુરુકોલી ગામ ખાતે પંચાયત ભવનામાં આયોજિત કાર્યક્રમમમાં તુષાર ગાંધી પહોંચ્યા હતા. આ દરમિયાન તુષાર ગાંધી સાથે એક વ્યક્તિએ ઉગ્ર દલીલ કરી હતી. વીડિયોમાં તે વ્યક્તિ તુષાર ગાંધીને કહે છે કે, 'મોદી સરકાર સારુ કામ કરી રહી છે, નીતીશ સરકાર પણ... તમને શરમ આવવી જોઈએ કે, તમે ગાંધીજીના વંશજ હોવા છતાં સત્ય સ્વીકારતા નથી.'
RJDનો દાવો છે કે, તુષાર ગાંધી સાથે દલીલ કરનાર વ્યક્તિ ભાજપ સાથે જોડાયેલો છે અને ખુદને ગાંધીની જાતિનો ગણાવે છે. સમગ્ર ઘટના પછી તુષારને પંચાયત ભવનમાંથી બહાર જવું પડ્યું અને જ્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો
'બિહારને બદલાવની જરૂર છે'
તુષાર ગાંધીએ કહ્યું હતું કે, 'બિહારને બદલાવની જરૂર છે. એનડીએ સરકાર વાયદા પૂર્ણ કરી નથી રહી. મહાગઠબંધન એક વિકલ્પ હોય શકે, પરંતુ સત્તામાં આવ્યા પછી તેને પણ હું જવાબદાર ઠેરવીશ.'
તુષાર ગાંધીએ શું કહ્યું?
મુખ્યમંત્રી નીતીશ કુમારને લઈને તુષારે કહ્યું કે, 'તેમણે ચંપારણના નામમાં સત્યાગ્રહ જોડવાનું સૂચન આપ્યું હતું. જેને નીતીશ કુમારે સ્વીકાર્યો કર્યો હતો, પરંતુ હવે ભૂલી ગયા છે. તેમની રાજનીતિમાં પટલી મારવી સામાન્ય બાબત છે.'
તેમણે વધુમાં કહ્યું કે, 'બાપુનું નિધન થયું તેનો ઘણો સમય થયો, પરંતુ ગોડસેની વિચારધારા હજુ પણ જીવિત છે. આજે અસહમતિની દરેક અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.' જનસભામાં હાજર લોકોએ ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા અને તુષાર ગાંધીના સમર્થનમાં ઊભા રહ્યા હતા.