‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન
Bihar Election 2025 : રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બિહારની ડબલ એન્જિન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઈન્ડિયા ગઠબંધનનની સમન્વય સમિતિની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેજસ્વીએ કહ્યું કે, આજે અમારી બેઠકમાં મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે બિહારમાં 80 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું અને રાજ્યમાં બેરોજગારી સહિતના મુદ્દે નીતીશ સરકાર પર નિશાન સાધ્યું છે.
તેજસ્વીએ નીતીશ સરકાર પર સાધ્યું નિશાન
તેમણે કહ્યું કે, ‘બિહાર સરકાર ડબલ એન્જિન સરકારની વાત કરે છે, તેમના એક એન્જિનમાં ગુના લાગેલા છે અને બીજા એન્જિનમાં ભ્રષ્ટાચાર લાગેલો છે. મુખ્યમંત્રી બેભાન અવસ્થામાં છે. અમારા મહાગઠબંધનના તમામ સાથીઓ આગામી સમયમાં પ્રજા વચ્ચે જશે, રેલી પણ કરશે. બિહારની પ્રજાના અધિકારને લઈને અને જે પ્રકારને મતદારોનું નામ કમી કરવામાં આવી રહ્યું છે, તે મુદ્દાઓને લઈને અમે પ્રજા વચ્ચે જઈશું. અમારી યાત્રામાં રાહુલ ગાંધી પણ સામેલ થશે. અમે પ્રજા વચ્ચે જઈને તમામ મુદ્દાઓ સ્પષ્ટ રીતે રજૂ કરીશું. બિહાર અભ્યાસ દવા, કમાણી અને સિંચાઈ મામલે સૌથી પાછળ છે અને પલાયન, ગરીબી, બેરોજગારીમાં સૌથી આગળ છે. અમે તમામ મુદ્દાઓ શેર કરીશું.’
‘ભાજપ આવે છે, ત્યારે મોટું કૌભાંડ થાય છે’
તેજસ્વી યાદવે CAG રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘80,000 કરોડ રૂપિયાનું કૌ ભાંડ થયું છે, જેનો સરકારે ક્યારેય ઉલ્લેખ કર્યો નથી. આ સાબિત કરે છે કે, ડબલ એન્જિનની સરકારનું એક એન્જિન ગુનામાં અને બીજું એન્જિનમાં ભ્રષ્ટાચારમાં છે. ભાજપ જ્યારે આવે છે, ત્યારે મોટું કૌભાંડ થાય છે.’
બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી
બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. વર્તમાન બિહાર વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બર-2025ના રોજ સમાપ્ત થવાનો છે. ચૂંટણી પંચે હજુ સુધી સત્તાવાર તારીખો જાહેર કરી નથી પરંતુ ચૂંટણીઓ ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં યોજાવાની સંભાવના છે. ચૂંટણીઓ બે કે ત્રણ તબક્કામાં યોજાઈ શકે છે. બિહારમાં SIRનો પ્રથમ તબક્કો સમાપ્ત થઈ ગયો છે, જેમાં બિહારમાં 7.24 કરોડ મતદારો છે. તેનો ડ્રાફ્ટ પહેલી ઓગસ્ટના રોજ પ્રકાશિત થશે અને અંતિમ યાદી 30 સપ્ટેમ્બરે બહાર પડાશે.