VIDEO : ‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’ સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન, જાણો મામલો
Parliament Monsoon Session : સંસદનાં ચોમાસું સત્રમાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ઓપરેશન સિંદૂર મામલે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે ચોંકાવનારો મુદ્દો ઉઠાવી નવો વિવાદ ઉભો કર્યો છે. એટલું જ નહીં તેઓ ભાષણ આપતી વખતે પોતાના જ સાંસદ પર પણ ગુસ્સો ઠાલવ્યો છે.
‘સિંદૂર ઉજાડી દેવાયું, પછી આ નામ કેમ રાખ્યું?’
જયા બચ્ચને (Jaya Bachchan) ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પર ચર્ચા દરમિયાન પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack)માં મૃત્યુ પામેલા 26 નિર્દોષ લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ભાષણની શરૂઆત કરી હતી. તેમણે પૂછ્યું કે, ‘પહલગામમાં આતંકવાદી હુમલામાં અનેક મહિલાઓનું સિંદૂર ઉજડી ગયું છે, તો પછી તેનું નામ ઑપરેશન સિંદૂર કેમ રાખ્યું? સમાજવાદી પાર્ટી સાંસદે સત્તાધારી પક્ષને સંબોધિત કરતા કહ્યું કે, ‘હું તમને અભિનંદન આપું છું કે તમે એવા લેખકો રાખ્યા છે જે આવા મોટા-મોટા નામ આપે છે. તમે તેનું નામ 'સિંદૂર' કેમ રાખ્યું? સિંદૂર તો ઉજડી ગયું છે, જે લોકો માર્યા ગયા છે, તેમની પત્નીઓનું...’
‘ભાજપે છાતી ઠોકીને કહ્યું હતું કે...’
તેમણે સરકાર પર પણ પ્રહાર કરી કહ્યું કે, ‘કલમ 370 હટાવ્યા બાદ ભાજપે છાતી ઠોકીને કહ્યું હતું કે, આતંકવાદનો ખાતમો થઈ જશે. શું થયું? જે પ્રવાસીઓ ત્યાં ફરવા ગયા હતા, તેઓ કોના ભરોસા પર ગયા હતા?’ તેમણે સરકાર પર લોકોનો વિશ્વાસ તોડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ‘તમે 25 જીવ બચાવી શક્યા નથી અને તે પરિવારોના લોકો તમને ક્યારેય માફ નહીં કરે. સરકારે આતંકવાદી હુમલાનો ભોગ બનેલા પરિવારોની માફી કેમ ન માગી.’
પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન
ભાષણ આપતી વખતે સત્તાધારી પક્ષોએ ટોકવાનું શરૂ કરતા જય બચ્ચન ભડકી ગયા હતા. તેમણે કહ્યું કે, ‘તમે બોલો અથવા મને બોલવા દો. જ્યારે તમે બોલો છો, ત્યારે હું વચમાં બોલતી નથી. જ્યારે કોઈ મહિલા બોલે છે, તો હું ક્યારેય વચમાં બોલતી નથી, તેથી કૃપા કરીને તમારી જીભ પર કાબુ રાખો.’ આ દરમિયાન સાથે બેઠેલા શિવસેના યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi)એ નારાજ થયેલા જયા બચ્ચનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, તે તેમણે કહ્યું કે, ‘પ્રિયંકા મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.’
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે બધા કાશ્મીરમાં મુલાકાત માટે ગયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાનની અંદર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો.