તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’
Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણાં મોટો ખેલ શરુ થઈ ગયો છે. એકતરફ જેડીયુ, ભાજપ, આરજેડી, કોંગ્રેસ સહિતની પાર્ટીએ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે, ત્યારે બીજીતરફ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેજ પ્રતાપે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ આ વખતે મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ પહેલા એવી ચર્ચા હતી કે, તેજ પ્રતાપ નવી પાર્ટી બનાવાના છે, જોકે હવે તેમની નવી પાર્ટી બનાવવાની વાતનો ફિયાસ્કો થઈ ગયો છે.
નવી પાર્ટી બનાવાવની કોઈ યાજના નથી
તેજ પ્રતાપે એમ પણ કહ્યું છે કે, ‘અમે ‘ટીમ તેજ પ્રતાપ યાદવ’ બનાવ્યું છે, જે કોઈ રાજકીય પાર્ટી નથી, પરંતુ એક ઓપન પ્લેટફોર્મ છે. અમારી સાથે કોઈપણને જોડાવવાની અને કામ કરવાની તક મળશે. ‘ટીમ તેજ પ્રતાપ યાદવ’માં સતત લોકો જોડાઈ રહ્યા છે. અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે. હાલ અમે નવી પાર્ટી લોન્ચ કરવાની કોઈ યોજના બનાવી નથી.’
અગાઉ તેજ પ્રતાપે કહ્યું હતું કે, જો આરજેડી ટિકિટ નહીં આપે તો તેઓ મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. મેં મહુઆ માટે કામ કર્યું છે, તો મહુઆથી જ ચૂંટણી લડીશ.
તેજ પ્રતાપ ચૂંટણીમાં દેખાડી શકે છે દમ
આ વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યમાં ચૂંટણી માહોલ ટાણે જ આરજેડીએ તેજ પ્રતાપ યાદવ(Tej Pratap Yadav)ને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. ચૂંટણીના કારણે રાજ્યમાં સતત રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં તેજ પ્રતાપે પોતાનો જુદો જ રસ્તો અપનાવી લીધો છે અને હવે તેમણે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
તેજ પ્રતાપને આરજેડીમાંથી કેમ હાંકી કઢાયા?
ઉલ્લેખનીય છે કે, અનુષ્કા યાદવના કારણે તેજ પ્રતાપને આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. એકતરફ તેજ પ્રતાપ અને પત્ની ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છો, તો બીજીતરફ તેમણે સોશિયલ મીડિયા એક્સ પર અનુષ્કા સાથેના સંબંધો જાહેર કર્યા હતા, ત્યારબાદ આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેમને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહીં તેમને પરિવારમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે.
બિહાર વિધાનસભા ચૂંટણીનું ચિત્ર
બિહાર વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરથી નવેમ્બર-2025 વચ્ચે યોજાવાની સંભાવના છે, કારણ કે 22 નવેમ્બર-2025ના રોજ 243 સભ્યોવાળી વિધાસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ચૂંટણી પંચે મતદાર યાદીમાં સુધારો કરવા માટે 25 જૂનથી ‘મતદાર યાદી પુનઃ નિરીક્ષણ (SIR)’ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ અભિયાન હેઠળ તમામ ઘરો પર જઈને મતદારોની પુષ્ટિ કરવામાં આવી રહી છે. પહેલી ઓગસ્ટ-2025ના રોજ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. રાજ્યમાં બે અથવા ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની સંભાવના છે.
આ પણ વાંચો : 2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં