VIDEO: તેજ પ્રતાપ ભાજપ સાંસદ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું, NDAમાં જોડાય શકે તેવી ચર્ચા શરૂ

Tej Pratap and Ravi Kishan : બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે, જનશક્તિ જનતા દળ (JJD)ના પ્રમુખ તેજ પ્રતાપ યાદવ શુક્રવારે (7 નવેમ્બર) ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ રવિ કિશન સાથે જોવા મળ્યા હતા. બંને પટના એરપોર્ટથી સાથે નીકળ્યા હતા. આનાથી બિહારના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે કે, તેજ પ્રતાપ NDAમાં જોડાઈ શકે છે. ભોજપુરી સ્ટાર રવિ કિશનએ પણ કહ્યું હતું કે, 'ભાજપ ખુલ્લા દિલનું છે.' રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે થોડા મહિના પહેલા તેમના પુત્ર તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યા હતા. આ પછી, તેમણે JJD નામની એક નવી પાર્ટી બનાવી અને બિહારની કેટલીક બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા. તેજ પ્રતાપ પોતે વૈશાલી જિલ્લાની મહુઆ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
જોકે, તેજ પ્રતાપે NDAમાં જોડાવાના પ્રશ્નને ટાળી દીધો હોય તેવું લાગતું હતું. તેમણે કહ્યું કે, 'પહેલી વાર રવિ કિશન સાથે મુલાકાત થઈ. તે ભગવાનના ભક્ત છે, અને હું પણ મહાદેવનો ભક્ત છું. અમે બંને મળ્યા.' શું બિહાર વિધાનસભા ચૂંટણી પછી કઈક અલગ તસવીર જોવા મળશે તેવા સવાલ પર તેજ પ્રતાપે કહ્યું કે, 'અમે પહેલાથી જ કહ્યું છે કે જે પણ બેરોજગારી દૂર કરશે અને રોજગાર આપશે તેની સાથે અમે ઉભા રહીશું.'
તેજ પ્રતાપ વિશે શું કહ્યું રવિ કિશને?
ભોજપુરી સ્ટાર અને ભાજપ નેતા રવિ કિશને પણ તેજ પ્રતાપ યાદવની પ્રશંસા કરતાં કહ્યું કે, 'દરેક વ્યક્તિ તેજ પ્રતાપના હૃદયને પ્રેમ કરે છે. તે મનથી નહીં પણ હૃદયથી બોલે છે. તે ભોલેનાથનો ભક્ત છે.'
આ પણ વાંચો: બિહાર ચૂંટણીમાં સાંસદે 2 વખત આપ્યો મત? VIDEO જાહેર કરીને કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ
તેજ પ્રતાપના NDAમાં જોડાવાના પ્રશ્ન પર રવિ કિશને કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભોલેનાથના ભક્ત છે. ભાજપ નિઃસ્વાર્થ સેવા કરનારાઓ માટે પોતાનું હૃદય ખુલ્લું રાખે છે. આ કોઈથી છુપાયેલું નથી. તેમની છબી પણ એવી જ બહાર આવી રહી છે. અમારા બોલવાથી કાઈ નહીં થાય, બધું જનતા નક્કી કરશે.'

