બિહાર ચૂંટણીમાં સાંસદે 2 વખત આપ્યો મત? VIDEO જાહેર કરીને કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ગઈકાલે(6 નવેમ્બર) યોજાયું હતું. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સમસ્તીપુર સાંસદ શાંભવી ચૌધરી પર બિહાર વિધાનસભા ચૂંટણીમાં 2 વખત મત આપવાનો આરોપ લાગ્યો છે. રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો કે, શાંભવી ચૌધરીના બંને હાથોની આંગળીઓમાં શાહી લાગેલી છે, જે મતદાન બાદ પોલિંગ બૂથ પર મતદારની એક આંગળી પર લગાવવામાં આવે છે. વીડિયોમાં શાંભવી અને પિતા અને નીતિશ સરકારમાં જેડીયૂના મંત્રી અશોક ચૌધરી સાથે દેખાઈ રહ્યા છે.
કોંગ્રેસે પોતાના સત્તાવાર ફેસબુક હેન્ડલથી શુક્રવારે NDA સાંસદ શાંભવી ચૌધરીના 2 ફોટો શેર કર્યા અને લખ્યું કે, બંને હાથથી વોટ ચોરી, ગજબ રમત છે. ત્યારબાદ બિહાર કોંગ્રેસના સત્તાવાર હેન્ડલથી પણ તેનો એક વીડિયો શેર કરાયો, જેમાં શાંભવી ચૌધરી પહેલા પોતાના ડાબા હાથની આંગળી કેમેરાની સામે બતાવે છે. ત્યારબાદ શાંભવીના પિતા અને મંત્રી અશોક ચૌધરી પણ હાજર છે.
આ વીડિયો હવે સોશિયલ મીડિયાની સાથે જ રાજકીય પાર્ટીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, અમે આ વીડિયોની પુષ્ટિ નથી કરતા. વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા વોટ ચોરીના આરોપ વચ્ચે કોંગ્રેસે શાંભવીના મુદ્દાને ઉઠાવ્યો છે.
જણાવી દઈએ કે, બિહારમાં ગુરૂવાર (6 નવેમ્બર) વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 121 બેઠકો પર મતદાન થયું હતું. શાંભવીએ પોતાના પિતા અશોક ચૌધરી અને પરિવારના અન્ય સભ્યોની સાથે પટનામાં મતદાન કર્યું હતું. બિહાર ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થવાનું છે. ત્યારબાદ બંને તબક્કાની મતગણતરી 15 નવેમ્બરે થશે.

