TET ફરજિયાત કરાતા દેશભરમાં વિરોધ, શિક્ષકોએ સરકાર પાસે સંશોધનની કરી માગ
Supreme Court: સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં સોમવારે (પહેલી સપ્ટેમ્બર) નિર્દેશ આપ્યો હતો કે, શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના વિરોધમાં શિક્ષણ સંઘે લાંબી લડાઇ માટે તૈયારી કરી લીધી છે. શિક્ષકોને રાહત અપાવવા માટે અખિલ ભારતીય પ્રાથમિક સંઘ માગ કરશે કે જે શરતો પર નિમણૂક થવાની હતી તેના પર તેમની નોકરી યથાવત રહેવી જોઇએ અને તેના પર તેમણે બઢતી મળવી જોઇએ.
જો નિમણૂકના સમયે TET જરુરી ન હતુ તો હવે તેને ફરજિયાત ન કરી શકાય. જોકે સરકાર પર રાહત આપવાનુ પ્રેશર બનાવવાની સાથોસાથ શિક્ષક સંઘે કાયદાકીય વિકલ્પ પણ શોધવાની શરુઆત કરી દીધી છે અને વકીલોથી વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.
સંધના પ્રમુખ સુશીલ પાંડે અને સેક્રેટરી મનોજ કુમાર સહિત વિવિધ રાજ્યોના ઘણા શિક્ષક નેતાઓ કટોકટીનો ઉકેલ શોધવા અને વકીલો સાથે ચર્ચા કરવા માટે દિલ્હી આવ્યા છે.
TET ફરજિયાત બનાવવા સામે વાંધો
સુશીલ પાંડેના જણાવ્યા અનુસાર, શિક્ષક સંઘ સરકાર સાથે વાત કરશે અને TET ફરજિયાત કરવાના કોર્ટના નિર્ણયથી રાહત મેળવવા માટે તેના પર દબાણ લાવશે. સંઘનુ કહેવું છે કે અગાઉ ભરતી કરાયેલા શિક્ષકોની નિમણૂક તે સમયના નિયમો અને સેવા શરતો અનુસાર કરવામાં આવી હતી. તેમને અધિકાર છે કે તેમની નોકરી એ જ સેવા શરતો અનુસાર ચાલુ રહે અને તેમને તે જ શરતો પર બઢતી આપવામાં આવે. જો તેમની નિમણૂક સમયે TET ફરજિયાત ન હતું, તો હવે તેને ફરજિયાત બનાવી શકાય નહીં.
આ પણ વાંચો: '25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ', CM યોગીની BCCI પાસે મોટી માગ
શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો છે આદેશ
ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આદેશ આપ્યો હતો કે, જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.