'25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ', CM યોગીની BCCI પાસે મોટી માગ
CM Yogi's big demand from BCCI : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) પાસે મોટી માગ કરી છે. જેમાં મુખ્યમંત્રીએ BCCI પાસે આગ્રહ કર્યો કે, 'ઉત્તર પ્રદેશને 4 રણજીની ટીમ આપવામાં આવે.' સીએમ યોગીએ જણાવ્યું કે, 25 કરોડની વસ્તીવાળા યુપીમાં ચાર ટીમ થવાથી યુવકોને વધુ મોકો મળી શકશે. યુપી T20 લીગની ફાઇનલ મેચ પહેલા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આ વાત કહી હતી.
ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ
સીએમ યોગીએ કહ્યું કે, 'યુપીના ખેલાડીઓને તેમની પ્રતિભાનું પ્રદર્શન કરવા માટે એક મંચ મળવું જોઈએ. આ રાજ્યએ ઈન્ટરનેશનલ સ્તરના અનેક ખેલાડીઓ તૈયાર કર્યા છે. એટલે હું BCCI પાસેથી માગ કરુ છું કે, 25 કરોડની વસ્તી ધરાવતા યુપીને ઓછામાં ઓછી 4 ટીમ મળે.'
મુંબઈ અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોને એકથી વધુ ટીમ છે, પરંતુ ઉત્તર પ્રદેશની એકથી વધુ ટીમની માંગણી ઘણા સમયથી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રીએ BCCIના કાર્યકારી પ્રમુખ રાજીવ શુક્લાની અધ્યક્ષતામાં આ માંગણી કરી હતી.
પૂર્વ રણજી ક્રિકેટર મોહસીન રઝા પણ લાંબા સમયથી સ્થાનિક ક્રિકેટમાં યુપી માટે એક કરતાં વધુ ટીમોની માગ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, યુપી T20 લીગ યુવાનો માટે એક શાનદાર ટુર્નામેન્ટ છે. સરકાર રાજ્યમાં ઘણા સ્ટેડિયમ બનાવી રહી છે.
મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વારાણસીમાં એક મોટું સ્ટેડિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. તેનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અયોધ્યા અને ગોરખપુરમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે મેરઠમાં યુનિવર્સિટીમાં એક મેદાન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, લગભગ તમામ રાજ્યોમાં એક નાનું સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે.'