Get The App

રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર, નાગરિકો માટે મહત્ત્વના ફેરફાર

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર, નાગરિકો માટે મહત્ત્વના ફેરફાર 1 - image


Indian Railway : ભારતીય રેલવેએ 2026માં તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવા નિયમો અમલમાં મુક્યાં છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય મુસાફરો માટે બુકિંગ પ્રક્રિયાને વધુ ન્યાયી અને સરળ બનાવવાનો છે. આ અપડેટ કરેલી માર્ગદર્શિકા બુકિંગ માટેના ચોક્કસ ધારાધોરણો નિર્ધારિત કરે છે. આ ઉપરાંત એક એકાઉન્ટમાંથી કેટલી ટિકિટ બુક થઇ શકશે તેની પણ મર્યાદા નક્કી કરે છે. જેથી ઓટોમેટેડ સિસ્ટમ્સ તેમજ એજન્ટો દ્વારા થતા દુરુપયોગને અટકાવી શકાય. 

બુકિંગનો સમય અને ટિકિટની મર્યાદા

નવા નિયમો મુજબ, કોઈપણ ક્લાસ (શ્રેણી) કે રૂટ હોય, તત્કાલ બુકિંગ મુસાફરીના એક દિવસ પહેલા સવારે 10:00 વાગ્યે એકસાથે શરૂ થશે. અગાઉના અલગ-અલગ સમયના બદલે હવે આ ફેરફારથી મુસાફરો માટે બુકિંગના સમયને યાદ રાખવો અને આયોજન કરવું સરળ બનશે. આ ઉપરાંત, હવે એક IRCTC એકાઉન્ટ દીઠ દિવસમાં વધુમાં વધુ બે તત્કાલ ટિકિટ બુક કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાનો હેતુ દરેક નાગરિકને ટિકિટ મળી રહે તે માટેનો છે ઉપરાંત એજન્ટો પર લગામ પણ લગાવી શકાય તે માટે છે. 

દુરુપયોગ રોકવા માટે ટેકનિકલ અને સુરક્ષા પગલાં

બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે હવે કડક CAPTCHA સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જે ઓટોમેટેડ સોફ્ટવેર અને બોટ્સ (bots) દ્વારા થતા બુકિંગને અટકાવશે. બુકિંગના પીક સમય દરમિયાન આ વિઝ્યુઅલ પઝલ્સ જાણીજોઈને થોડી જટિલ રાખવામાં આવશે. જેથી માત્ર વાસ્તવિક યુઝર્સ જ પ્રક્રિયા પૂર્ણ કરી શકે, કોઇ રોબોટ કે સોફ્ટવેર નહી. 

બીજો એક મોટો ફેરફાર એ છે કે, પ્રોવિઝનલ સીટ મળ્યા બાદ મુસાફરોએ વિલંબ કર્યા વગર પેમેન્ટ પૂર્ણ કરવાનું રહેશે. જો નિર્ધારિત સમયમાં પેમેન્ટ પૂર્ણ નહીં થાય, તો ટિકિટ આપોઆપ રદ થઈ જશે અને તે ફરીથી તત્કાલ ક્વોટામાં આવી જશે, જેથી બીજા મુસાફરોને તક મળી શકે.

રિફંડ અને પૂર્વ તૈયારી માટેની માર્ગદર્શિકા

નવી માર્ગદર્શિકામાં રિફંડના નિયમો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે તત્કાલ ટિકિટ પર બહુ ઓછું અથવા કોઈ રિફંડ મળતું નથી, પરંતુ જો ટ્રેન રદ થાય અથવા 4 કલાકથી વધુ મોડી હોય, તો મુસાફરો સંપૂર્ણ રિફંડ મેળવવા માટે હકદાર રહેશે.

બુકિંગ સરળતાથી કરી શકાય તે માટેની ટિપ્સ

- બુકિંગ શરૂ થાય તે પહેલા લોગ-ઈન કરો.

- IRCTC પ્રોફાઇલમાં મુસાફરોની વિગતો (નામ, ઉંમર વગેરે) પહેલેથી જ સેવ કરી રાખો.

- સ્ટેબલ ઈન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરો.

- પેમેન્ટના વિકલ્પો (નેટ બેંકિંગ, કાર્ડ અથવા UPI) તૈયાર રાખો.