કોરોનાના દર્દીની હોસ્પિટલમાં આત્મહત્યા, તબલિગી જમાતના કાર્યક્રમમાં હતો સામેલ
નવી દિલ્હી, તા.12 એપ્રિલ 2020, રવિવાર
દિલ્હીમાં થયેલા તબલિગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા કોરોના પોઝિટિવ દર્દીએ હોસ્પિટલમાં આત્મહત્યા કરી લેતા દોડધામ મચી ગઈ છે.
મળતી વિગતો પ્રમાણે આ 30 વર્ષીય યુવક મહારાષ્ટ્રની અકોલા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતો.મેડિકલ હોસ્પિટલના ડીન ડો.અપૂર્વ પાવડેના કહેવા પ્રમાણે મૂળે આસામનો રહેવાસી આ વ્યક્તિ દિલ્હીમાં નિઝામુદ્દીનમાં યોજાયેલા કાર્યક્રમમાં સામેલ હતો અને ત્યાંથી મહારાષ્ટ્ર આવ્યો હતો.
સાત એપ્રિલે તેને સારવાર માટે દાખલ કરાયો હતો.શુક્રવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.શનિવારે સવારે પાંચ વાગ્યે તેણે બ્લેડથી પોતાનુ ગળુ કાપી નાંખ્યુ હતુ.હોસ્પિટલના કર્મચારીએ તેને ટોયલેટમાં પડેલો જોયો હતો.તેને બચાવવા માટે તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.જોકે તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.
ડીનના કહેવા પ્રમાણે સારવાર દરમિયાન આ યુવક તનાવમાં રહેતો હતો.તેનુ કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યુ હતુ.પોલીસનુ કહેવુ છે કે, આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે.પોલીસે અંતિમ સંસ્કાર માટે તેના પરિવારજનોની પરવાનગી માંગી છે.