VIDEO : છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર
Chhattisgarh Naxal Surrender : છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં ચાર ખતરનાક નક્સલવાદી સહિત 18 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ 39 લાખ રૂપિયાનું ઈનામ છે. સુરક્ષા દળોએ બીહડા જંગલોમાં કેમ્પ લગાવતા તેમજ કાર્યવાહી કરતા નક્સલીઓમાં દહેશત ફેલાઈ ગઈ છે. પોલીસ એન્કાઉન્ટરમાં મોત થવાના ડરથી 18 નક્સલીઓએ હિંસાનો રસ્તો છોડી સુકમાના પોલીસ અધિક્ષક અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે.
નક્સલીઓમાં એક મહિલાએ પણ કર્યું સરેન્ડર
પોલીસના જણાવ્યા મુજબ, સરેન્ડર કરનારા બે નક્સલીઓ પર 8-8 લાખ રૂપિયા, એક પુરુષ અને એક મહિલા નક્સલી પર 5-5 લાખ રૂપિયા, છ પુરુષ નક્સલીઓ પર 2-2 લાખ રૂપિયા અને એક પુરુષ નક્સલી પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયેલું છે. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે કહ્યું કે, સરેન્ડર કરનારા નક્સલીઓમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ લોકો નક્સલી સંગઠન છોડીને સમાજની મુખ્યધારામાં જોડાવા માટે સરેન્ડર કરી દીધું છે. તેઓએ પોલીસ, CRPF, કોબરા બટાલિયન સમક્ષ હથિયારો વગર સરેન્ડર કરી દીધું છે. આ તમામ લોકોને છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિનો લાભ આપવામાં આવશે.
લીડરના એન્કાઉન્ટર બાદ નક્સલી સંગઠનમાં દહેશત
ઉલ્લેખનીય છે કે, નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળોએ 21 મેએ મોટું ઓપરેશન પાર પાડી નક્સલરાજનું મોટું માથું ‘બસવરાજૂ’ સહિત 27 નક્સલીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુરામાં 70 કલાક ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં નક્સલીઓનો મોટો ભેજાબાજ ‘નંબાલા કેશવ રાવ’ નામથી જાણીતા ‘બસવરાજૂ’ને ઠાર કરાયો હતો. એમ.ટેક. ડિગ્રી ધરાવતો બસવરાજૂ નક્સલીઓનો સૌથી મહત્ત્વનો કમાન્ડર અને સૌથી મોટો માસ્ટર માઈન્ડ છે, તેના મોતથી નક્સલરાજના જળમૂળ પર મોટો પ્રહાર થયો છે અને નક્સલી સંગઠનોમાં દહેશત ફેલાઈ ગઈ છે.