14000 પુરુષોએ 'લાડકી બહેન' યોજના હેઠળ 21 કરોડ મેળવ્યાં, દિગ્ગજ મહિલા નેતાનો મોટો દાવો
Maharashtra Ladki bahin Yojana Scam Allegation: એનસીપી (SP)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો છે. તેમણે દાવો કર્યો છે કે, સ્કીમ હેઠળ લગભગ 14,000 પુરુષોને લાભ મળ્યો છે. સુલેએ આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે.
સુપ્રિયા સુલેના દાવા બાદ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પ્રતિક્રિયા આપી છે કે, જો કોઈ આ પ્રકારનો લાભાર્થી મળી આવ્યો તો, તેની પાસેથી પૈસા વસૂલવામાં આવશે. મીડિયા રિપોર્ટના આધારે સુપ્રિયા સુલેએ દાવો કર્યો હતો કે, ઓગસ્ટ, 2024માં શરૂ થયેલી લાડકી બહેન યોજનાના લાભાર્થીઓની યાદીમાં આશરે 14,000 પુરૂષ સામેલ છે. જેમને રૂ. 21 કરોડ ફાળવવામાં આવ્યા છે.
સીબીઆઈ તપાસની માગ
પુણેમાં પ્રેસ કોન્ફરન્સમાં સુલેએ જણાવ્યું હતું કે, તપાસ થવી જોઈએ કે, યોજનાનો લાભ લેનારા પુરૂષોના નામ કોણે દાખલ કર્યા. સરકાર નાના-નાના આરોપોમાં પણ સીબીઆઈ-ઈડી તપાસ કરાવે છે. તો આ મામલે પણ સીબીઆઈ તપાસની જાહેરાત થઈ જોઈએ. જેથી પુરાવો મળે કે, કયાં કોન્ટ્રાક્ટરે આ પુરૂષોના નામ યાદીમાં સામેલ કર્યા છે. રાજ્યમાં શાસક ગઠબંધન સરકારે આ મામલે ઝડપથી કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
અજિત પવારે આપ્યો જવાબ
રાજ્યમાં નાણાકીય બાબતો સંભાળતાં અજિત પવારે જણાવ્યું કે, કોઈપણ પુરૂષને લાભાર્થીઓની યાદીમાં સામેલ કરવામાં આવે જ નહીં. જો કોઈ પુરૂષ સામેલ હશે તો અમે તેના તરફથી લેવામાં આવેલો તમામ લાભ પરત વસૂલીશું. જો તે સહયોગ નહીં કરે તો, તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરીશું. લાડકી બહેન યોજના વિશેષ રૂપે આર્થિક રૂપે નબળા વર્ગની મહિલાઓ માટે છે. યોજનાના લાભાર્થીઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ યોજનામાં અમુક એવી મહિલાઓ સામેલ હતી, જે નોકરી કરતી હોવા છતાં લાભ લઈ રહી હતી. તેમના નામ દૂર કરવામાં આવ્યા છે.
26.34 લાખ લાભાર્થી યોજનાના પાત્ર પણ નહીં
મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ સોશિયલ મીડિયા X પર જણાવ્યું હતું કે, આઈટી વિભાગના ડેટા અનુસાર, લાડકી બહેન યોજનાના 26.34 લાખ લાભાર્થીઓ વાસ્તવમાં આ યોજનાના પાત્ર ન હતાં.અમુક કિસ્સામાં પુરૂષોએ અરજી કરી હતી. તેમનો લાભ અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના રિપોર્ટના આધારે પાત્ર લોકોને લાભ આપવાનું શરૂ કરાશે.