Get The App

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, કહ્યું- ‘હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોને પણ મળશે વન રેન્ક, વન પેન્શન’

Updated: May 19th, 2025

GS TEAM


Google News
Google News
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, કહ્યું- ‘હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોને પણ મળશે વન રેન્ક, વન પેન્શન’ 1 - image


Supreme Court : સુપ્રીમ કોર્ટે આજે (19 મે) હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોના પેન્શન અંગે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈની ખંડપીઠે આ નિર્ણય સંભળાવતાંની સાથે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોને ‘વન રેન્ક, વન પેન્શન’ લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશો પેન્શન મેળવવાના હકદાર

દેશના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈને બેંચે કહ્યું કે, હાઇકોર્ટના તમામ નિવૃત્ત ન્યાયાધીશો સંપૂર્ણ અને સમાન પેન્શન (Retired High Court Judge Pension) મેળવવાના હકદાર છે. તેમની પ્રારંભિક નિમણૂકનો સ્રોત કોઈપણ હોય, ભલે તેઓ જિલ્લા ન્યાયપાલિકામાંથી કે પછી વકીલમાંથી ન્યાયાધીશ બન્યા હોય, ભલે તેઓની કોઈપણ તારીખે નિમણૂક થઈ હોય, તેઓને પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 13.65 લાખ રૂપિયાનું પેન્શન આપવું જોઈએ. ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે તેઓને પગાર સાથે ટર્મિનલ લાભો પણ આપવા જોઈએ.

આ પણ વાંચો : પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નીચે મુજબ સૂચનાઓ જારી કરી છે

  • સેવાનિવૃત્ત મુખ્ય ન્યાયાધીશોને વાર્ષિક 15 લાખ રૂપિયાનું પૂર્ણ પેન્શન આપવામાં આવે
  • હાઇકોર્ટના અન્ય નિવૃત્ત ન્યાયાધીશો(વધારાના ન્યાયાધીશો સહિત)ને વાર્ષિક 13.5 લાખ રૂપિયા પેન્શન આપવું જોઈએ.
  • ‘વન રેન્ક વન પેન્શન’નો સિદ્ધાંત બધા નિવૃત્ત ન્યાયાધીશોને સમાન રીતે લાગુ પડશે, પછી ભલે તેઓ બારમાંથી આવ્યા હોય કે પછી જિલ્લા ન્યાયતંત્રમાંથી આવ્યા હોય.
  • જિલ્લા ન્યાયતંત્રમાંથી આવતા હાઇકોર્ટના ન્યાયાધીશોના કિસ્સામાં, જો સેવામાં અંતરાલ (બ્રેક) હોય તો પણ તેઓ સંપૂર્ણ પેન્શન માટે હકદાર રહેશે.
  • નવી પેન્શન યોજના (NPS) લાગુ થયા પછી જિલ્લા ન્યાયતંત્રમાં પ્રવેશ કરનારા અને પછીથી હાઇકોર્ટના ન્યાયાધીશ બનેલા ન્યાયાધીશોને પણ સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે. તેમના NPS યોગદાન અને તેના પરના ડિવિડન્ડની સંપૂર્ણ રકમ રાજ્ય સરકાર દ્વારા પરત કરવામાં આવશે.
  • હાઇકોર્ટના સેવારત ન્યાયાધીશના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારના સભ્યોને કૌટુંબિક પેન્શન મળશે, પછી ભલે તે કાયમી ન્યાયાધીશ હોય કે વધારાના ન્યાયાધીશ હોય.

મુખ્ય ન્યાયાધીશે શું કહ્યું ?

મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ આદેશ આપતાં કહ્યું કે, ‘એકવાર કોઈ વ્યક્તિ ન્યાયિક પદ પર નિયુક્ત થઈ જાય, પછી તેના પ્રવેશના સ્ત્રોતનું મહત્ત્વ રહેતું નથી. તેમના બંધારણીય પદની ગરીમા માંગ કરે છે કે, બધા ન્યાયાધીશોને સમાન પેન્શન આપવામાં આવે. ન્યાયતંત્રની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે એ મહત્ત્વનું છે કે, બધા ન્યાયાધીશો નિવૃત્તિ પછી પણ સમાન અંતિમ લાભો મેળવે. જ્યારે બધા ન્યાયાધીશોને સેવા દરમિયાન સમાન વ્યવહાર મળે છે, ત્યારે નિવૃત્તિ પછી લાભોમાં કોઈપણ ભેદભાવ બંધારણની કલમ-14નું ઉલ્લંઘન ગણાશે.’

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશોને મોટી રાહત મળી છે અને તેમને ન્યાયતંત્રની સ્વતંત્રતા અને ગરિમા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન તૂટશે? સ્થાનિક એકમની ચૂંટણી માટે એકનાથ શિંદે ભાજપ સાથે સોદાબાજીના મૂડમાં

Tags :