પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં વધુ એક યુવકની ધરપકડ, ચેટિંગથી થયો મોટો ખુલાસો; અત્યાર સુધી 7 ઝડપાયા
Pakistani Spy : હરિયાણામાં ફરી પાકિસ્તાન જાસૂસી નેટવર્ક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યની પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીએ નૂંહ જિલ્લાનાં કાંગરકા ગામમાં દરોડો પાડી તારીફ નામના યુવક ધરપકડ કરી છે. બે દિવસ પહેલા જાસૂસીના આરોપમાં જિલ્લાના રાજાકા ગામમાંથી અરમાન નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પાકિસ્તાન જાસૂસી નેટવર્ક કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીએ ચેટ ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો
ચંદીગઢ વિશેષ પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમ રવિવારે મોડી સાંજે બાવલા ગામમાં રાધા સ્વામી સત્સંગમાં પહોંચી હતી. જ્યાંથી તારીફને કસ્ટડીમાં લેવાયો છે. પોલીસની ટીમ આવતાં જ તારીફે મોબાઇલમાંથી કેટલીક ચેટ ડિલિટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે તુરંત તેની પાસેથી મોબાઇલ જપ્ત કરી લીધો હતો. મોબાઇલ તપાસતાં તેણે વોટ્સએપ નંબરમાંથી કેટલાક ડેટા ડિલિટ કર્યા હોવાનો ખુલાસો થયો છે.
આરોપી સતત પાકિસ્તાની નંબરો પર સંપર્કમાં રહેતો
આરોપીના મોબાઇલમાંથી પાકિસ્તાની નંબરો પર ચેટ કરી હોવાની વિગતો, ફોટો-વીડિયો અને સૈન્ય પ્રવૃત્તિઓની તસવીરો મળી છે. તેણે આ તમામ પાકિસ્તાનના કોઈ નંબર પર મોકલ્યા હતા. આરોપી બે જુદા જુદા સિમકાર્ડ રાખતો હતો અને સતત પાકિસ્તાની નંબરો પર સંપર્કમાં હતો. જ્યારે ટીમે તેની પૂછપરછ કરી, ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પૂછપરછમાં તારીફ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇ કમિશનના બે કર્મચારી આસિફ બલોચને ભારતીય સેનાના પ્રવૃત્તિઓ અને ગુપ્ત માહિતી મોકલતો હોવાનો ખુલાસો થયો છે.
તારીફ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઇકમિશનના બે કર્મચારીના સંપર્કમાં હતો
આરોપીએ કહ્યું કે, આસિફ બલોચ તેને રૂપિયા આપતો હતો. આસિફ બલોચની દિલ્હી હાઇકમિશનમાંથી બદલી થયા બાદ તે અન્ય કર્મચારી જાફરના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તે આસિફની જેમ જાફરને પણ આવી માહિતી મોકલતો હતો. આમ આરોપીએ દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી દેશની અખંડતા, એકતા અને દેશની સુરક્ષા માટે સંકટ ઊભું કર્યું છે. તાવડૂ પોલીસ સ્ટેશનમાં તારીફ, આસિફ અને જાફર વિરુદ્ધ કેસ નોંધી વધુ તપાસ શરુ કરી દીધી છે.
યુવક ભારતીય સૈન્ય ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો
તારીફ નામનો યુવક ભારતીય સૈન્યની પ્રવૃત્તિઓ સંબંધી ગોપનીય માહિતીઓ વોટ્સઅપ દ્વારા પાકિસ્તાનના મોકલતો હતો. આરોપી પાકિસ્તાન હાઇ કમિશનના બે કર્મચારીઓના સંપર્કમાં હોવાનો અને તે લોકોને જ આ વિગતો મોકલવાનો હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનામાં પોલીસે દેશદ્રોહ સહિતની કલમો હેઠળ કાંગરકાનો રહેવાસી મોહમ્મદ તારીફ અને પાક. હાઇ કમિશનમાં તહેનાત બે કર્મચારીઓ આસિફ બલોચ અને જાફર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આરોપી ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો
હરિયાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તારીફ ભારતીય સેના અને ડિફેન્સ તૈયારીઓની સંવેદનશીલ માહિતીઓ દુશ્મન દેશ પાકિસ્તાનને મોકલાવતો હોવાની તેમજ આ કામ તે લાંબા સમયથી કરતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આરોપી લોકોને પાકિસ્તાન જવા માટે વિઝાની અરજી કરવા માટે પણ કહેતો હતો. હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પાસેથી મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. મોબાઇલની તાપસ કર્યા બાદ વધુ શંકાસ્પદ ચેટની વિગતો મળવાની સંભાવના છે.
તારિફની વધુ તપાસ કરવામાં આવતા અનેક ખુલાસા થયા છે. તે નુહ જિલ્લાનો રહેવાસી છે અને પાંચ ભાઈઓમાંથી બીજા નંબરનો છે. તેના સાસરિયાઓ દિલ્હીના ચંદનહોલામાં રહે છે. તેના લગ્નને લગભગ 10 વર્ષ થયા છે, તેના બે બાળકો છે. તે અંસલ ફાર્મ હાઉસ પાસે એક નકલી ડૉક્ટર તરીકે ક્લિનિક ચલાવતો હતો.