'શેલ્ટર હોમમાં ન રાખો, ખસીકરણ જ સાચો ઉપાય..', રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Supreme Court On Street Dogs: દિલ્હીમાં રખડતાં કૂતરાઓને શેલ્ટર હોમમાં પૂરવાના આદેશનો સખત વિરોધ થયાં બાદ અંતે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમમાં મોકલવામાં આવેલા કૂતરાઓને છોડવાનો આદેશ આપ્યો છે. માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે. તેમજ ખસીકરણ કરીને કૂતરાઓને છોડી મૂકવામાં આવશે.
શેલ્ટર હોમમાં મોકલેલા કૂતરાને છોડવા આદેશ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રખડતાં કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે નહીં. જે કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે તેમનુ ખસીકરણ કરી છોડી મૂકવામાં આવશે. માત્ર બીમાર અને આક્રમક કૂતરાઓને જ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે.
કૂતરા માટે ગમે-ત્યાં ભોજન મૂકી શકાશે નહીં
જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળ ત્રણ જજોની બેન્ચે આ નિર્દેશ આપ્યો છે. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ આ નોટિસ જાહેર કરી છે. દરેક મ્યુનિસિપલ વિસ્તારમાં રખડતાં કૂતરાઓના ભોજન માટે અલગથી જગ્યા બનાવવામાં આવશે. તેમજ નિર્ધારિત સ્થળ પર જ કૂતરાઓને ભોજન આપી શકાશે. જાહેર સ્થળો પર ગમે-ત્યાં ભોજન મૂકી શકાશે નહીં. આમ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
ફિડિંગ ઝોન બનાવાશે
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કૂતરાઓને જ્યાંથી પણ ઉઠાવવામાં આવ્યા હોય, તે જ સ્થળે પાછા મૂકવામાં આવે. દરેક વોર્ડમાં કૂતરાઓના ભોજન માટે ફિડિંગ ઝોન બનાવવામાં આવશે. જાહેર સ્થળો પર કૂતરાઓને ખવડાવી શકાશે નહીં. નિયમનોનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. એનજીઓને ફિડિંગ ઝોન માટે રૂ. 25000નું ફંડ આપવામાં આવશે.