ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સુપ્રીમ કોર્ટે કરી સસ્પેન્ડ: તબીબી કારણોથી રાહત આપી, સરકારે કહ્યું- 'વાંધો નથી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra Train Burning Case: ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે 23 નવેમ્બરે તબીબી કારણોસર મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની ખંડપીઠે ગંભીર હૃદયરોગ અને જેલવાસના સમયગાળાને ધ્યાનમાં રાખીને તેની સજા સ્થગિત (સસ્પેન્ડ) કરીને જામીન મંજૂર કર્યા છે. અગાઉ વર્ષ 2025માં પણ ઈરફાનને વહેલી મુક્તિ (પ્રીમેચ્યોર રિલીઝ)ની અરજી પર રાજ્ય સરકાર વિચારણા કરે તે માટે વચગાળાના પેરોલ આપવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારે બીમારીનો મુદ્દો સ્વીકાર્યો
આ દરમિયાન દોષિતના વકીલે રજૂઆત કરી હતી કે, ઈરફાન ગંભીર હૃદયરોગથી પીડિત છે અને તે 17-18 વર્ષથી જેલમાં બંધ છે. બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાજર વકીલ સ્વાતિ ઘિલ્ડિયાલે દોષિતની તબીબી સ્થિતિ અંગેની હકીકતો સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે જો કોર્ટ તબીબી કારણોસર રાહત આપતી હોય તો સરકારને કોઈ વાંધો નથી. જો કે, તેમણે આ રાહત માત્ર તબીબી કારણો પૂરતી જ મર્યાદિત રાખવા વિનંતી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે મુખ્યત્વે તબીબી કારણોસર આ અરજી કરાઈ છે અને રાજ્ય સરકારે પણ દોષિતની બીમારીની વિગતો સાચી હોવાનું સ્વીકાર્યું છે. આ બાબતોને ધ્યાનમાં રાખી કોર્ટે સજા સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
અગાઉ પણ દોષિતોને જામીન અપાયા હતા
27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગતા 58 કાર સેવકોના મોત થયા હતા, જેના પગલે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ કેસમાં માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા. આ પૈકી 11ને ફાંસી અને 20ને આજીવન કેદની સજા ફટકારાઈ હતી, જ્યારે 63ને નિર્દોષ છોડ્યા હતા. ત્યારબાદ 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ ચુકાદા સામે દોષિતોની અપીલ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અગાઉ મે 2022, ડિસેમ્બર 2022 અને એપ્રિલ 2023માં પણ સુપ્રીમ કોર્ટે વિવિધ કારણોસર આ કેસના અન્ય કેટલાક દોષિતોને જામીન આપ્યા હતા.




