Get The App

'સોશિયલ મીડિયા પર માફી માંગો', દિવ્યાંગોની મજાકના કેસમાં સમય રૈના સહિત 5 કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટનો આદેશ

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
'સોશિયલ મીડિયા પર માફી માંગો', દિવ્યાંગોની મજાકના કેસમાં સમય રૈના સહિત 5 કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટનો આદેશ 1 - image


Supreme Court On Social Media Influencers: સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને યુટ્યૂબ ઈન્ફ્લુએન્સર્સ પર ગમે-તેની મજાક કરવા બદલ આકરૂ વલણ લેતાં નોંધ લીધી હતી કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મન્સનો ઉપયોગ કરી કમાણી કરતાં ઈન્ફ્લુએન્સર્સનું કન્ટેન્ટ વાણી સ્વાતંત્ર્યની કેટેગરીમાં આવતુ નથી. તેની ગણના કોમર્શિયલ સ્પીચમાં થશે. સુપ્રીમ કોર્ટે સમય રૈનાના શોમાં દિવ્યાંગજનો પર અસંવેદનશીલ ટિપ્પણી બદલ પાંચ સ્ટેન્ડ-અપ કોમેડિયન્સને બિનશરતી માફી માગવા આદેશ આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત બાળકોના માતા-પિતા તેમજ સ્વૈચ્છિક સંસ્થા SMA ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાની તરફેણમાં આ આદેશ કર્યા હતા.

અસંવેદનશીલ ટિપ્પણી બદલ ફિટકાર

સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના, વિપુલ ગોયલ, પરમારજીત સિંહ ઘઈ, નિશાંત જગદીશ તંવર અને સોનાલી આદિત્ય દેસાઈ વિરૂદ્ધ દિવ્યાંગજનો પર અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવાનો આરોપ મૂકાયો હતો. સુપ્રીમ કોર્ટે આ તમામ કોમેડિયન્સને પોતાની યુટ્યુબ અને પોડકાસ્ટ ચેનલ પર દિવ્યાંગજનોને બિનશરતી માફી માગવા આદેશ આપ્યો છે. તેમજ આગળ જતાં દિવ્યાંગજનો પર આ પ્રકારના ઉપહાસ ન થાય તેની ખાતરી સુનિશ્ચિત કરવા કહ્યું છે. 

આ પણ વાંચોઃ 'ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ' શ્લોકનું ગાન નકામું...,' સુપ્રીમ કોર્ટે કેમ ગુજરાત સરકારને આપ્યો ઠપકો

આગામી સુનાવણીમાં દંડ નક્કી કરાશે

સુપ્રીમ કોર્ટની બેન્ચે આગામી સુનાવણીમાં આ કોમેડિયન પર દંડ લાદવા મુદ્દે નિર્ણય લેવાનું પણ જણાવ્યું છે. જસ્ટિસ કાંતે ઈન્ફ્લુએન્સર્સને કહ્યું હતું કે, 'પસ્તાવા કરતાં ગુનો મોટો છે. તેમાં તિરસ્કારની ભાવના રહેલી છે. જેથી તેમને દંડ પણ ફટકારવામાં આવશે. પહેલાં તમારા પોડકાસ્ટ અને ચેનલ્સ પર જઈને માફી માગો બાદમાં અમને જણાવો કે તમે કેટલો દંડ ચૂકવી શકો છો.' ઉલ્લેખનીય છે, તમામ પાંચ ઈન્ફ્લુએન્સર્સ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા.


માહિતી વિભાગને ગાઈડલાઈન્સ બનાવવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં આ પ્રકારની અસંવેદનશીલ મજાક  ન થાય તેનું ધ્યાન રાખતાં માહિતી વિભાગને સોશિયલ મીડિયા પર ઉપયોગમાં લેવાતી ભાષા મુદ્દે સ્પષ્ટ ગાઈડલાઈન્સ ઘડવા આદેશ આપ્યો છે. આ ગાઈડલાઈન્સ કોઈ એક ઘટના પર આધારિત ન હોય. તેમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વ્યાપક મુદ્દાઓને આવરી લેવામાં આવે. દિવ્યાંગજનો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠો પર અસંવેદનશીલ મજાક કરવા પર અંકુશ લાદવા સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સ ઘડવા આદેશ કર્યો છે.

હાસ્ય જીવનનો એક ભાગ પણ...

જસ્ટિસ બાગચીએ આ કેસ પર સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, હાસ્યને સારી રીતે દર્શાવવું જોઈએ, તે આપણા જીવનનો એક ભાગ છે. આપણે આપણી જાત પર હસીએ છીએ. તે ઠીક છે, પરંતુ જ્યારે આપણે બીજા પર હસવાનું શરૂ કરીએ છીએ, ત્યારે તે અસંવેદનશીલ બની જાય છે. તેમાં ખાસ ચોક્કસ સમુદાય અને વર્ગના લોકો પર હાસ્ય સમસ્યારૂપ બની જાય છે. આજના કહેવાતા ઈન્ફ્લુએન્સર્સે તેનું ધ્યાન રાખવું જોઈએ. પોતાના નિવેદનનો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે ઉપયોગ કરવો જોઈએ નહીં. તે વાણી સ્વતંત્રતા નથી, પણ કોમર્શિયલ સ્પીચ છે.

'સોશિયલ મીડિયા પર માફી માંગો', દિવ્યાંગોની મજાકના કેસમાં સમય રૈના સહિત 5 કોમેડિયન્સને સુપ્રીમ કોર્ટનો આદેશ 2 - image

Tags :