'ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ' શ્લોકનું ગાન નકામું...,' સુપ્રીમ કોર્ટે કેમ ગુજરાત સરકારને આપ્યો ઠપકો
Gujarat Government : દેશમાં શિક્ષકોની સ્થિતિ પર એક મોટી ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો તેમને સન્માનજનક પગાર પણ ન મળી રહ્યો હોય તો પછી 'ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા' શ્લોક ગાવાનો કોઈ અર્થ નથી. ગુજરાત સરકારની ટીકા કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોને માત્ર ₹30,000નો પગાર આપવામાં આવે છે, જ્યારે એડ-હૉક અને રેગ્યુલર એસોસિએટ પ્રોફેસરોનો પગાર ₹1.2 થી ₹1.4 લાખની વચ્ચે છે.
શિક્ષકોનું સન્માન અને યોગદાન
જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું, 'જે શિક્ષકો આપણી આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરે છે અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરે છે, તેમની સાથે આ પ્રકારનું વર્તન સહન કરી શકાય નહીં.' બેન્ચે વધુમાં કહ્યું કે, 'કોઈપણ દેશ માટે શિક્ષકો કરોડરજ્જુ સમાન હોય છે જે આપણાં બાળકોને ભવિષ્યના પડકારો અને સારું જીવન જીવવા માટે તૈયાર કરે છે. શિક્ષકો જ આ સમાજમાં તેમના સંશોધન, વિચારો અને મૂલ્યો દ્વારા પ્રગતિનો માર્ગ દર્શાવે છે.'
સમાજમાં શિક્ષકના અમૂલ્ય યોગદાન
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાજમાં શિક્ષકના અમૂલ્ય યોગદાનને માન્યતા ન મળવી એ મોટી ચિંતાનો વિષય છે. કોર્ટે જણાવ્યું કે, 'જો શિક્ષકોને સન્માનજનક પગાર પણ નહીં મળે, તો દેશમાં જ્ઞાન અને બૌદ્ધિક સફળતાને પણ યોગ્ય સ્થાન મળી શકશે નહીં.' ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સરકારને નિર્દેશ આપ્યો હતો કે આ મામલે 'સમાન કામ, સમાન વેતન'ના સિદ્ધાંતનું પાલન કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, 'આસિસ્ટન્ટ પ્રોફેસરોને છેલ્લા બે દાયકાથી આટલો ઓછો પગાર આપવામાં આવી રહ્યો છે, તે ખૂબ જ ચિંતાજનક છે. અમને જાણકારી મળી છે કે 2720 ખાલી જગ્યાઓ હતી જેમાંથી અત્યાર સુધી માત્ર 923 પોસ્ટ પર જ કાયમી ભરતી થઈ છે.' શિક્ષકોની આ અછતને કારણે શિક્ષણ કાર્ય પણ બાધિત થઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ, 158 એડ-હૉક અને 902 કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી થઈ હતી. જ્યારે 737 પોસ્ટ હજુ પણ ખાલી છે. કોર્ટે કહ્યું કે મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવા છતાં, ફક્ત એડ-હૉક અને કોન્ટ્રાક્ટ બેઝ પર શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.