Supreme Court news On SIR : સુપ્રીમ કોર્ટેસ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચ (EC)ને દેશભરમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ની કામગીરી હાથ ધરવાનો સંપૂર્ણ બંધારણીય અને વૈધાનિક અધિકાર છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે તે આ પ્રક્રિયા પર રોક લગાવશે નહીં, પરંતુ જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા સામે આવશે તો સુધારાત્મક નિર્દેશો આપવામાં અદાલત પાછીપાની નહીં કરે.
સુપ્રીમ કોર્ટે બિહારનું ઉદાહરણ આપ્યું
સર્વોચ્ચ અદાલતે બિહારનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં SIRની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમીની સ્તર પર કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. આરજેડી સાંસદ મનોજ ઝા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે SIRની બંધારણીય માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દલીલ કરી કે, "દેશમાં કરોડો અભણ લોકો છે જેઓ મતદાર નોંધણી માટેના ફોર્મ ભરી શકતા નથી, જેના કારણે આ પ્રક્રિયા 'બહિષ્કારનું હથિયાર' બની રહી છે." સિબ્બલે તર્ક આપ્યો, "ચૂંટણી પંચ કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક છે કે નહીં તે નક્કી કરનાર કોણ? 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો આધાર કાર્ડના આધારે સ્વ-ઘોષણા કરે કે તે ભારતીય નાગરિક છે, તો તેને મતદાર યાદીમાં સામેલ કરવો જોઈએ. નાગરિકતા સાબિત કરવાનો બોજ મતદાર પર નાખી શકાય નહીં."
કોર્ટનો જવાબ: ચૂંટણી પંચ 'પોસ્ટ ઓફિસ' નથી, આધાર નાગરિકતાનો પુરાવો નથી
આ દલીલોના જવાબમાં, ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની બેન્ચે કડક ટિપ્પણીઓ કરી. CJI સૂર્યકાંતે કહ્યું, "ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી એક તહેવાર જેમ હોય છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાના મતની ચિંતા કરે છે અને ગામમાં દરેક વ્યક્તિ જાણે છે કે કોણ ગામનો રહેવાસી છે અને કોણ નથી." ન્યાયમૂર્તિ બાગચીએ કહ્યું કે 2012 અને 2014માં ઘણા રાજ્યોમાં મતદારોની સંખ્યા પુખ્ત વસ્તી કરતાં પણ વધી ગઈ હતી, તેથી સુધારો જરૂરી છે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે, "આધાર કાર્ડ નાગરિકતાનો સંપૂર્ણ પુરાવો નથી, તે માત્ર લાભ મેળવવા માટેનો દસ્તાવેજ છે. શું કોઈ પાડોશી દેશનો નાગરિક અહીં મજૂરી કરતો હોય અને રાશન માટે આધાર કાર્ડ મેળવે, તો તેને મતદાર બનાવી દેવો જોઈએ?" કોર્ટે કહ્યું, "ચૂંટણી પંચ માત્ર એક 'પોસ્ટ ઓફિસ' નથી કે જે દરેક ફોર્મ-6 સ્વીકારી લે. તેની પાસે દસ્તાવેજોની સત્યતા ચકાસવાનો અંતર્નિહિત બંધારણીય અધિકાર છે."
બિહારનું ઉદાહરણ આપીને કોર્ટે શંકાઓ દૂર કરી
CJI કાંતે બિહારમાં થયેલા SIRનું ઉદાહરણ આપતા કહ્યું, "શરૂઆતમાં એવી વાતો હતી કે બિહારમાં કરોડો નામ કાપવામાં આવી રહ્યા છે. અમે કેટલાક દિશાનિર્દેશો આપ્યા. અંતે શું થયું? જેમના નામ કપાયા તેમાં મોટાભાગના મૃત્યુ પામેલા લોકો અથવા સ્થળાંતર કરી ગયેલા લોકો હતા. કોઈએ પણ તેના પર વાંધો ઉઠાવ્યો નહીં અને જમીન પર કોઈ નકારાત્મક અસર જોવા મળી નહીં." કોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ કહ્યું કે તે પ્રક્રિયાને રોકશે નહીં, પરંતુ જો કોઈ વાસ્તવિક ફરિયાદ આવશે તો તરત જ હસ્તક્ષેપ કરવામાં આવશે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે (આજે) હાથ ધરવામાં આવશે. આ સાથે જ, કોર્ટે તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં SIRને પડકારતી અરજીઓ પર સુનાવણીનું સમયપત્રક પણ નક્કી કર્યું છે.


